કચ્છ: ગુજરાત રાજ્યનો વિશાળ દરિયાકાંઠો ડ્રગ્સમાફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયો છે. ગુજરાતના દરિયા કિનારે વર્ષે કરોડો રુપિયાનું ડ્રગ્સ ઠલવાય છે. જેના લીધે યુવાનોની જિંદગી પણ બરબાદ થઇ રહી છે. ત્યારે પોલીસ સહિકની એજન્સીઓ દ્વારા કરોડો રુપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છની વાત કરીએ તો જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદ અને ક્રિક ટાપુ વિસ્તારમાંથી વર્ષ 2024 દરમ્યાન અંદાજે રુ. 685 કરોડથી વધુંની કિંમતનું ડ્ર્ગ્સ ઝડપાયું છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. ડ્રગ્સનું દુષણ દારૂ કરતા પણ વધારે ખતરનાક છે. ડ્રગ્સના દૂષણમાંથી આજના યુવાનોને બચાવવા ખૂબ જ જરુરી છે.
દરિયા કાંઠેથી કરોડોનું ડ્રગ્સ કબ્જે: કચ્છ જિલ્લામાં જાન્યુઆરી મહિનાથી જ બિનવારસુ ડ્રગ્સ અને ડ્રગ્સ ગાંજાની હેરાફેરીનો સિલસિલો શરુ થઇ ગયો હતો. જેમાં આરોપીઓ વિવિધ પ્રકારના ડ્રગ્સ કચ્છમાં લાવવાની ખૂબ જ મથામણ કરી રહ્યા હતા. જેઓ સરહદી વિસ્તાર અને દરિયા કાંઠાનો સહારો લઇને ડ્રગ્સ મંગાવતા હતા. જેને BSF, કોસ્ટગાર્ડ, મરીન કમાન્ડો ઉપરાંત જખૌ મરીન, માંડવી મરીન, મુંદ્રા મરીન, પૂર્વ અને પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ, LCB ગુજરાત ATS, સ્ટેટ IB, નેવી ઇન્ટેલિજન્સ,મરીન ટાસ્ક ફોર્સ વગેરે જેવી સુરક્ષા એજન્સીઓ દ્વારા વિવિધ વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જખૌના દરિયા કાંઠે BSFના જવાનોએ વર્ષ 2024માં કુલ 272 ડ્રગ્સના પેકેટ્સ જપ્ત કર્યા હતા. ત્યારે પોલીસ, BSF, સ્ટેટ IB, મરીન ટાસ્ક ફોર્સ જેવી એજન્સીઓએ સાથે મળીને દરિયાઈ વિસ્તારમાંથી અંદાજિત 480 જેટલા બિનવારસુ ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હતા.
પૂર્વ કચ્છમાંથી રુ. 253.75 કરોડનું ડ્રગ્સ જપ્ત: પૂર્વ કચ્છમાંથી 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધી મળી આવેલા ડ્રગ્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અંદાજિત રુ. 121. 67 કરોડનું હેરોઈન, અંદાજિત રુ. 131.89 કરોડનું કોકેઇન, અંદાજિત રુ. 7.48 લાખનો ગાંજો, રુ. 32 હજારનો અફીણ, રુ. 1.95 લાખનું મેફેડ્રોન અને રુ. 9.21 લાખનું પોષડોડા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં હાલમાં તાજેતરમાં જ નવેમ્બર મહિનાના અંતમાં 2 કેસ મળીને અંદાજિત રુ. 1.65 કરોડનો કોકેઇનનો જથ્થો ઝડપાયો હતો. આમ વર્ષ દરમિયાન પૂર્વ કચ્છમાંથી અંદાજિત 253.75 કરોડનો વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
પશ્ચિમ કચ્છમાંથી રુ. 430.37 કરોડનું ડ્રગ્સ જપ્ત: પશ્ચિમ કચ્છમાંથી 1 જાન્યુઆરીથી 30 નવેમ્બર સુધી મળી આવેલા ડ્રગ્સની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં અંદાજિત રુ. 230.34 કરોડનો ચરસ, અંદાજિત રુ. 200 કરોડનો હેરોઈન, અંદાજિત રુ 1.63 લાખનો મેફેડ્રોન, રુ. 88.25 હજારનો ગાંજો, રુ. 6,060નો અફીણ અને રુ. 3,981નો પોષડોડાનો ડ્રગ્સ ઝડપાયો છે. આમ વર્ષ દરમિયાન પશ્ચિમ કચ્છમાંથી અંદાજિત રુ. 430.37 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
ડ્રગ્સ માફિયાઓની મોડ્સ ઓપરેન્ડી: કચ્છમાં દરિયાઇ વિસ્તાર અને સીટીમાં ડ્રગ્સ કયાં ઝડપાય છે. જેની મોડ્સ ઓપરેન્ડી જાણીને તમને અચરજ થશે. પાકિસ્તાન અને ઈરાનના ડ્રગ માફિયાઓ બોટમાં ડ્રગ્સ ભરીને ભારત તરફ આવે છે. પરંતુ દરિયામાં કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓના પેટ્રોલિંગના કારણે તેઓ હવે ભારતમાં આવવાના બદલે દરિયામાં પેકેટ છુટા મૂકી દે છે. ડ્રગ્સના પેકેટ્સ વોટરપ્રુફ હોય છે અને 10 પેકેટનો એક કોથળો તૈયાર કરવામાં આવે છે. જેની ઉપર ખાસ માર્ક હોય છે. જિલ્લામાં જખૌ, પીંગલેશ્વર સહિતનો દરિયો ઢાળવાળો હોવાથી દરિયામાં ફેંકાયેલા પેકેટ તણાઈને કિનારા પર આવી રેતીમાં અથવા બાવળમાં ફસાઈ જાય છે. પેકેટ્સ દરિયા કિનારે આવી જતો હોવાથી તેની ડિલિવરી લઇ લેવામાં આવે છે. જો કે, હવે ડ્રગ્સના પેકેટ્સની સંખ્યા વધતા માનવીની અવરજવર પર પ્રતિબંધ મૂકી ખાસ જૂન અને જુલાઇ દરમિયાન ચેકિંગ હાથ ધરાય છે. જેમાં મોટી માત્રામાં જથ્થો મળે છે. હવે તો આ જ મોડ્સ ઓપરેન્ડી સૌરાષ્ટ્ર, દ્વારકા સહિતના દરિયા કિનારે પણ સામે આવી છે. જ્યારે રોડ માર્ગે પકડાતા ડ્રગ્સમાં ચરસ, ગાંજો મુખ્યત્વે ઓરિસ્સા અને હેરોઇન, કોકેઇન અને MD પંજાબમાંથી આવે છે. જિલ્લામાં પોર્ટ,ઔદ્યોગિક કંપનીઓ અને પરપ્રાંતીય વસ્તી વધારે હોવાથી મોટાભાગે બહારથી ડ્રગ્સ આવતું હોય છે. જે પોલીસના ચેકીંગમાં પકડાઈ જાય છે.
ગુજરાત ATS દ્વારા કરોડોનું કોકેઇન જપ્ત: જો કે, વર્ષ 2024માં મોટી કિંમતના ડ્રગ્સને ઝડપવાની વાત કરવામાં આવે તો જૂન મહિનાની શરૂઆતમાં જ ગુજરાત ATS દ્વારા ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ્સ ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં ATS દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. પરંતુ આરોપીઓ ઝડપાયા નહોતા. કંડલા પોર્ટ પર ઇરાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેઇનર મારફતે આ ડ્રગ્સ ગાંધીધામ સુધી પહોંચ્યું હતું અને બાદમાં ખારીરોહર પાસેની ખાડીમાં છુપાવી દેવાયું હતું. જેને ATSએ ઝડપી લીધા હતા. જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 19 જૂનમાં 19 પેકેટ્સ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે 190 કરોડ આંકવામાં આવી હતી. આ બાદ ઓકટોબર મહિનામાં ફરીથી ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેના નિર્જન દરિયાઈ વિસ્તારમાંથી રૂ. 120 કરોડની કિંમતના 12 કિલો ડ્રગ્સના પેકેટ્સ પોલીસને હાથ લાગ્યા હતા.
દરિયા કિનારે મળી આવે છે ડ્રગ્સના પેકેટ્સ: કચ્છના દરિયાકાંઠે છેલ્લા 4થી 5 વર્ષથી સતત ચરસના પેકેટ્સ બિનવારસુ હાલતમાં મળી આવે છે. દરિયામાં ઇન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઇનથી પાણીનું વહેણ છેલ્લા કેટલાક સમયથી જખૌ અને લખપત તરફ વહી રહ્યું છે. જેના કારણે અબડાસાના જખૌ અને પિંગલેશ્વરના દરિયામાં વહેણ વધારે જોવા મળી રહ્યું છે. જેથી આ વિસ્તારમાં દરિયામાં ચરસના પેકેટ્સ તણાઈને કિનારા પર પહોંચી જાય છે. આ ઉપરાંત ગાંધીધામ વિસ્તારમાં તેમજ કચ્છના પ્રવેશદ્વાર પાસે પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ઉલ્લેખનીય છે કે, ચરસના પેકેટ્સ મળતા હોવાથી જ કચ્છમાં અગાઉ 21 જેટલા માનવરહિત ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું કચ્છના કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે કચ્છના નિર્જન ટાપુઓ પર સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવતી હોય છે.
મોટા ભાગે ટાપુઓ પરથી મળે છે ડ્રગ્સ: કચ્છમાં ખાસ કરીને લુણા, શેખરણપીર, સિંધોડી, સૈયદ સુલેમાન પીર, સુથરી, શિયાળબારી ક્રિક સહિતના વિસ્તારમાં ડ્રગ્સના 10-10 પેકેટ્સની પેકિંગમાં મોટા કોથળામાં ડ્રગ્સના પેકેટ્સ મળી આવતા હોય છે. કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી મળી આવતા આ બિનવારસુ ડ્રગ્સના પેકેટ્સને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત જખૌ, જખૌ મરીન, કંડલા મરીન, નારાયણ સરોવર સહિતના સરહદી પોલીસ સ્ટેશનમાં અબજો રૂપિયાનું ડ્રગ્સ બિનવારસુ હાલતમાં જમા થયેલું પડ્યું છે.
કોણ મંગાવે છે કરોડોનું ડ્રગ્સ: કચ્છની દરિયાઇ સીમામાંથી ઝડપાતા ડ્રગ્સના પેકેટ્સ કચ્છમાં કોણ રિસિવ કરે છે અને ક્યાં સપ્લાય કરવામાં આવે છે, તેને ક્યાં લઇ જવામાં આવે છે. તેને લઇને સુરક્ષા એજન્સીઓને કોઈ મોટી સફળતા મળી નથી. ત્યારે આ ડ્રગ્સની હેરાફેરી કરનારા મિડલ મેન વિશે માહિતી મળી જાય તો ઝડપાયેલા ડ્રગ્સ વિશે ચોક્કસ જાણકારી મળી રહેશે. કચ્છમાં કોકેઇન, હેરોઇન, એમ્ફેટામાઈન, મેફેડ્રોન, અફીણ, ગાંજો, પોષડોડા અને ચરસ જેવા ડ્રગ્સ મળી આવતા હોય છે.
આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી: પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાંથી અંદાજિત 685 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો ડ્રગ્સની હેરાફેરીને લઈને નાગરિકો પાસેથી મળી આવેલા ડ્રગ્સને લઈને 50 જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાવામાં આવ્યો છે અને NDPS એક્ટ હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે વધુ કાયદાકીય કાર્યવાહી કરી છે. જ્યારે દરિયાઈ વિસ્તાર અને ખાડી વિસ્તારમાંથી મળી આવેલા બિનવારસુ ડ્રગ્સના જથ્થા અંગે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે? અને કોણ મોકલી રહ્યું છે? તેમજ તેની ડિલિવરી કોણ લઈ રહ્યું છે? તે અંગે કોઈ માહિતી સામે આવી રહી નથી.
આ પણ વાંચો: