સુરત: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા (United Nations General Assembly) ૨૦૦૮માં 'વિશ્વ સિકલ સેલ દિવસ'ની ઉજવણીની મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાય એ માટે ૨૦૦૯માં ૧૯ જૂનના રોજ પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
શું છે સિકલ સેલ: સિકલ સેલ એ લોહીની વારસાગત ખામી છે. સિકલ સેલની ખામી જન્મથી જ હોય છે. સિકલ સેલના બે પ્રકાર છે. (1) સિકલ સેલ ટ્રેઈટ(50 ટકા) એટલે કે વાહક, (2) સિકલ સેલ ડિસીઝ (100 ટકા) સિકલ સેલની ખામી રંગસૂત્રોમાં આવેલ જનીનોની ખામી છે, અને તે ગર્ભ રહે તે સમયે નક્કી થઈ ચૂકી હોય છે. જેમાં કોઈ પણ વધારો કે ઘટાડો શક્ય નથી. સિકલ સેલની ખામીને જડમૂળથી કાઢી શકાય છે. જીનથેરાપી (સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ) દ્વારા હાલ પ્રયોગો થઈ રહ્યા છે.
સિકલ સેલ ટ્રેઈટ (50%) વાહક છે. આ 50% ખામીને લઈને સામાન્ય રીતે કોઈ તકલીફ થતી નથી. પરંતુ સિકલ સેલ ટ્રેઈટ (50 %) વાળી વ્યક્તિ અન્ય સિકલ સેલ ટ્રેઈટ (૫૦%) વાળી વ્યક્તિ જોડે લગ્ન કરે તો સિકલ સેલ ડિસીઝ (100%)ની ખામી સંતાનમાં ઉતરે અથવા સિકલ સેલ ડિસીઝ (100%) વાળુ સંતાન પ્રાપ્ત ન થાય એ માટે સિકલ સેલ ટ્રેઈટનું નિદાન આવશ્યક છે. સિકલ સેલ ડીસીઝ (100%) વાળી વ્યક્તિને સાંધા કે શરીરનો વારંવાર દુઃખાવો થવો, શરીરની ફિક્કાશ, કમળો થવો, વારંવાર તાવ આવવો, જેવી તકલીફો થાય છે. ઉપરાંત અચાનક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થવું અને કે મૃત્યુ જેવી સ્થિતિ સર્જાય છે.
તમને જણાવી દઈએ કે, સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં માંગરોળ, બારડોલી, મહુવા, માંડવી, ઉમરપાડા, ચૌર્યાસી,પલસાણા, કામરેજ અને ઓલપાડ તાલુકામાં મે-2024 સુધી 1567860 લોકોનું એટલે 97.21 ટકાનું સિકલસેલનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 29027 સિકલ સેલ ટ્રેઈટ અને 3365 સિકલ સેલ ડિસીસના દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં સિકલ સેલ ડિસીઝના સૌથી વધારે માંડવી તાલુકામાં 1088, ઉમરપાડામાં 605, મહુવામાં 543, માંગરોળમાં 431 અને બારડોલીમાં 339 દર્દીઓ છે.
"સિકલસેલ ટ્રેઈડ અને સિકલસેલ ડિસિઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલ સેલને રોકી શકાય છે" ડૉ. કે.એન. ભટ્ટ, મેડિસીન વિભાગના વડા, નવી સિવિલ હોસ્પિટલ
સિકલસેલ એ વારસાગત રોગ છે: નવી સિવિલ હોસ્પિટલના મેડિસીન વિભાગના વડા ડૉ. કે.એન. ભટ્ટ જણાવે છે કે, સિકલસેલ એ વારસાગત રોગ છે. આ રોગ આદિવાસી વિસ્તારોમાં ખાસ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ બહુલ વિસ્તારમાં ચૌધરી, વસાવા, ગામીત અને અન્ય જ્ઞાતિઓ જોવા મળે છે. જેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારના ગામોમાં, દાહોદ, ગોધરા જેવા આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જોવા મળે છે. આદિવાસી વિસ્તારોમાં લગ્ન કરતી વખતે સિકલ સેલનું ટેસ્ટ કરાવવું જોઈએ. સિકલ સેલ ટ્રેઈડ અને સિકલ સેલ ડિસિઝ હોય એવા જોડાઓના લગ્ન ન કરાવીએ તો સિકલ સેલને રોકી શકાય છે. સિકલ સેલ થયો હોય તો તેનું નિદાન વહેલી તકે કરવું આવશ્યક છે. દવાઓનો સમયસર ઉપયોગ કરવામાં આવે તો સિકલસેલ ક્રાઈસીસથી દર્દીને બચાવી શકાય છે. અગાઉથી જ દવાઓ અને યોગ્ય સારવાર મેળવી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. સુરત સિવિલમાં સિકલ સેલના દરરોજ એકથી બે ગંભીર દર્દીઓ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા હોય છે.
સુરત નવી સિવિલમાં દર વર્ષે સિકલસેલના 300 થી 400 દર્દીઓ સારવાર મેળવે છે. જેમાં દર્દીઓને નેશનલ સિકલ સેલ ડિસિઝ પ્રોગ્રામ હેઠળ એમઆરઆઈ, સિટી સ્કેન, પ્લાઝમા ટ્રાન્સફ્યુઝન જેવી સુવિધાઓ નિ:શુલ્ક આપવામાં આવે છે.
આદિજાતિ લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે આ સિકલ સેલ રોગ: નોંધનીય છે કે, સિકલસેલ રોગ એ આનુવાંશિક રોગ છે, જે આદિજાતિ લોકોમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. જેમાં દર્દીના જીવનમાં સામાન્ય વ્યક્તિ કરતા વધારે પ્રમાણમાં તકલીફ થાય છે. આ રોગની ગંભીરતાને ઘ્યાને લઈ દર્દીના પડતી તકલીફ દુર કરવા અને સિકલ સેલ રોગ આગામી પેઢીમાં પ્રસરે નહિ તે હેતુથી વડાપ્રધાનના હસ્તે દેશનાં 17 રાજ્યમાં સિકલ સેલ એનિમીયા નાબુદી મિશન-2047નો પ્રારંભ ગત વર્ષ 2023માં કરવામાં આવ્યો હતો.
- સિકલ સેલ ટ્રેઈડ અને ડિસીઝનું નિદાન કઈ રીતે કરી શકાય?
સિકલ સેલ ટ્રેઈડ અને ડિસિઝનું નિદાન માટે દર્દીઓએ લોહીની ખાસ તપાસ દ્વારા નિદાન શક્ય બની શકે છે.
- સિકલીંગ ટેસ્ટ: પ્રાથમિક સ્ક્રિનિંગ ટેસ્ટ જેમાં બે પ્રકારના પરિણામ હોય શકે છે એક નેગેટિવ એટલે વ્યક્તિને સિકલ નથી અથવા પોઝીટિવ એટલે વ્યક્તિને સિકલ સેલ છે પણ કેટલા ટકા છે એ આ ટેસ્ટ થકી જાણી શકાતું નથી.
- હિમોગ્લોબિન ઈલેક્ટ્રોફોરેસીસ કે HPCL:આ ટેસ્ટ થકી વાહક (૫૦%) કે દર્દી (૧૦૦%) ખબર પડે છે પૂર્ણ નિદાન માટે આ ટેસ્ટ અનિવાર્ય છે.
- સિકલ સેલની ડિસીઝની સારવાર અને કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું?
સિકલ સેલ મટાડવા માટે ફોલિક એસિડ વિટામિનની ગોળી કાયમ માટે લેવી જોઈએ. Hydroxyurea (હયડ્રોક્સીયુરિયા) ટેબ્લેટ 200/500 મી.ગ્રા ડોક્ટરની સલાહ મુજબ નિયમિત રીતે લેવી. સિકલ સેલ એક્સપર્ટ સલાહ આપે તો જ એમાં જરૂરી ફેરફાર કરવો જોઈએ. પરંતુ આઈરનની ગોળી ક્યારેય પણ લેવી જોઈએ નહીં. (ગર્ભવતી બહેનો માટે પૂરતા ડોઝમાં આર્યન આપવું આવશ્યક છે.) પાણી દરરોજ 10 થી 15 ગ્લાસ પીવું જોઈએ. વધારે પરિશ્રમ થાય એવી રમત કે કામ ન કરવું. ઉપરાંત તાપમાં પણ વધારે ફરવું નહિ. દર્દીઓએ દર ત્રણ મહિને એક વખત ડોક્ટરની સલાહ તેમજ તપાસ કરાવી યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ.
સિકલ સેલની ખામી સાથે વ્યક્તિ સમગ્ર જીવન જીવે છે. ઉંમર વધવાની સાથે કેટલાક રોગલક્ષી ફેરફારો શક્ય બને છે. આથી ઉંમર આધારિત ફેરફારો તપાસ દ્વારા જાણવા જરૂરી છે. હીમોગ્લોબીનનું પ્રમાણ પણ ૩ મહિને જાણવું ખૂબ જરૂરી છે. એથી વિશેષ દર ૩ મહિને ડૉક્ટર પાસેથી તપાસની અને માર્ગદર્શન મેળવવાથી પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે. જેમ ડાયાબિટીસના દર્દી પોતાનું બ્લડસુગર દર ત્રણ મહિને ચેક કરાવે છે, એમ સિકલ સેલના દર્દીએ દર ત્રણ મહિને હીમોગ્લોબીનનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.