જૂનાગઢ: 19 તારીખથી વર્લ્ડ હેરિટેજ સપ્તાહ શરૂ થયો છે. આ સપ્તાહની ઉજવણી પાછળ ભવ્ય વારસાને સાચવી, જાળવી અને તેને આગળ વધારી શકાય તે માટે પ્રયાસો કરવામાં આવે છે. આજે ગુજરાતના જેટલા શહેરો છે તેમાં જૂનાગઢ સૌથી વધારે વારસો અને વિરાસત ધરાવતું એકમાત્ર નગર છે, પરંતુ જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારકો કે જેને વારસાની વિરાસત તરીકે ઓળખવામાં આવે છે તે આજે ખૂબ જ જર્જરિત જોવા મળે છે. પરિણામે જૂનાગઢના ઇતિહાસકાર હરીશ દેસાઈએ જૂનાગઢના વારસાની જાળવણી માટે સરકાર સમક્ષ માંગ કરી છે.
જૂનાગઢમાં વારસો અને વિરાસત બંને જર્જરિત: 19 તારીખથી વર્લ્ડ હેરિટેજના સપ્તાહની ઉજવણી થઈ રહી છે વારસામાં મળેલી વિરાસતને જાળવી અને તેને આવનારી નવી પેઢી માટે સાચવી રાખવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેર આજે આખા ગુજરાતમાં સૌથી વધારે વિરાસત અને વારસો ધરાવતું નગર છે. જૂનાગઢમાં આવેલા અનેક ઐતિહાસિક સ્થાપત્યો કે જેને વારસા તરીકે સમગ્ર વિશ્વના લોકો માને છે તેવા સ્થાપત્યો આજે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી વચ્ચે એકદમ જર્જરિત થયેલા જોવા મળે છે.
આમ, વિશ્વના વારસાને સમેટીને ઉભેલું જૂનાગઢ અને તેના આ ઉજ્જવળ ઇતિહાસને ફરી એક વખત વારસાના રૂપમાં મળેલી વિરાસત મજબૂત બને તે માટે રાજ્યની સરકાર જૂનાગઢના સ્થાપત્યોને સાચવવા માટે ચિંતિત બને તેવી માંગ જૂનાગઢના ઇતિહાસકાર અને વિરાસત ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ હરીશ દેસાઈ દ્વારા કરવામાં આવી છે.
રા ખેંગાર વાવ અતિ જર્જરિત: જૂનાગઢમાં સ્થાપત્યોની વાત કરીએ તો અહીંની વાવ પણ એક અનોખો ઇતિહાસ ધરાવે છે. ગાંધીનગર નજીક આવેલી અડાલજની વાવ, ઉત્તર ગુજરાતના પાટણમાં આવેલી રાણકીવાવની માફક જ એકદમ ઐતિહાસિક અને બિલકુલ તેને ટક્કર મારે તે પ્રકારની રા ખેંગાર વાવ આજે જૂનાગઢમાં અસ્તિત્વ ધરાવે છે.
જૂનાગઢથી સોમનાથ જતા વંથલી નજીક રા ખેંગાર વાવ આજે પણ જોવા મળે છે. કલાત્મક રીતે પગથિયાની સાથે પિલર અને તોરણની સાથે ઝરૂખા વાળી આ વાવ રા ખેંગારના વખતમાં બની હોવાનું માનવામાં આવે છે.
રા ખેંગાર વાવ ઇતિહાસિક વિરાસત: એક માન્યતા અનુસાર રાણકદેવી અને રા'ખેંગાર ના લગ્નની કેટલીક વિધિનું સાક્ષી પણ રા'ખેંગાર વાવ બની હતી. આમ પર્યટનનું ખૂબ અદભુત સ્થળ આજે તંત્રની ઉદાસીનતાને કારણે જીર્ણ થઈ રહ્યું છે. જેને બચાવીને પર્યટનના એક આકર્ષક સ્થળ તરીકે પણ વિકસાવી શકાય તેવો બેનમૂન વારસો ધરાવતી રા ખેંગાર વાવ જોવા મળે છે.
જૂનાગઢની વાવો ના નગર તરીકે પણ હતી ઓળખ: જૂનાગઢ શહેર એ ઐતિહાસિક વારસો ધરાવે છે. ભૂતકાળમાં જૂનાગઢ શહેરમાં 24 જેટલી વાવો અસ્તિત્વ ધરાવતી હતી. આજે પણ કેટલાક વિસ્તારોના નામ જે તે વાવને કારણે જોવા મળે છે વિશળવાવ ભરડાવાવ રાણાવાવ કબૂતરી વાવ ગોધાવાવ સહિત જૂનાગઢમાં કુલ 24 પ્રકારની વાવો આવેલી છે.
આ 24 વવોના નામ નીચે મુજબ છે: માતરી વાવ, રાણાવાવ, વણઝારી વાવ, ભરડાવાવ, ભીડા વાવ, સંગી વાવ, વિશળ વાવ, લવિંગ વાવ, અમર વાવ, બદાવડી વાવ, દિવાનજી વાવ, કના વાવ, ટોડાની વાવ, સલાટ વાવ, વૃંદાવન વાવ, બોડકી વાવ, ઢુંઢણ વાવ, દેડકી વાવ, છનાલ વાવ, ચડાની વાવ, ગોળા વાળી વાવ, કબુતરી વાવ, દીપડા વાવ, અને ગોધા વાવ આ પૈકીની સંગી વાવ પુરાઈ ગઈ છે. જ્યારે વિશળ વાવ કોઈ કાળક્રમે બંધ કરી દેવામાં આવી, તો બીજી બાજુ કના વાવ બુરાઈ ગયેલી જોવા મળે છે.
આ પણ વાંચો: