જુનાગઢ: સમગ્ર વિશ્વમાં વારસા સપ્તાહની ઉજવણી થઈ રહી છે, વારસાના શહેર તરીકે જુનાગઢ આજે પણ ગુજરાતમાં સૌથી સમૃદ્ધ વારસો ધરાવે છે. નવાબ અને અંગ્રેજોના સમયમાં બનેલી ઈમારતો આજે પણ જુનાગઢની એક અલગ છાપ ઊભી કરે છે.
જૂનાગઢની ઓળખ સમાન વારસો આજે જર્જરિત બની રહ્યો છે. નવાબના સમયમાં બનાવવામાં આવેલા મહેલો અને કિલ્લાઓ આજે જાળવણીને અભાવે જર્જરિત બન્યા છે, જેને સાચવવાની જરૂર છે. જેથી વારસાનો આ ભવ્ય ઇતિહાસ આવનારી પેઢીઓ યાદ રાખી શકે.
વિશ્વ વરસા સપ્તાહની ઉજવણી: 19 મી નવેમ્બરથી વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે, ત્યારે જુનાગઢ શહેર ગુજરાતનું એકમાત્ર એવું નગર છે કે જે પ્રાચીન વારસા માટે આજે પણ આટલું જ અદકેરુ માન અને સન્માન ધરાવે છે. જૂનાગઢમાં જેટલા સ્થાપત્ય કે જેને વારસા તરીકે વિશ્વની ધરોહર રૂપે સ્વીકારવામાં આવ્યા છે અને જેને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કર્યા છે, આવા અનેક સ્મારકો સમેટીને આજે પણ જુનાગઢ ઐતિહાસિક વારસાને સાચવવાનું ગર્વ લઈ રહ્યું છે.
પરંતુ નવાબના સમય અને અંગ્રેજ કાળમાં બનેલા ભવ્ય ઐતિહાસિક વિરાસત ધરાવતો આ વારસો આજે જર્જરિત બની રહ્યો છે, જેને સાચવવાની તાતિ જરૂર ઊભી થાય છે. જૂનાગઢની સાથે ભારતનો ઇતિહાસ આ ભવ્ય વારસાના સ્થાપત્યોમાં જળવાયેલો જોવા મળે છે પરંતુ કાળક્રમે અને તંત્રની બેદરકારી અને યોગ્ય રખરખાવ નહીં થવાને કારણે આ અમૂલ્ય વારસો આજે ધીમે ધીમે જર્જરીત બની રહ્યો છે.
જૂનાગઢમાં અનેક ઐતિહાસિક વારસા સમાન સ્થાપત્યો
જુનાગઢ શહેરમાં નવાબી શાસન હતું આવા સમયે નવાબ ના રહેઠાણ તેના કામ કરવાની જગ્યા દીવાન અને રાજભાર ચલાવવાના અનેક સ્થળો આજે ઐતિહાસિક વારસામાં સામેલ થયા છે. દિવાનચોકમાં જૂનાગઢનો સૌથી સમૃદ્ધ કહી શકાય તેવો વારસો આજે પણ હયાત જોવા મળે છે, પરંતુ તે યોગ્ય સારસંભાળ ન થવાને કારણે આ ધરોહરો એકદમ જીર્ણ બની ગયા છે.
વર્ષો પૂર્વે જુનાગઢ જિલ્લાના કલેક્ટર આઝાદી બાદ જ્યાં બેસીને જિલ્લાનો કારભાર સંભાળતા હતા તે કચેરી આગમાં બળીને ભશ્મીભૂત થઈ ગઈ હતી. આ સિવાય નવાબના સમયમાં બનેલા અનેક બાંધકામો જેમાં આજે એક જગ્યા પર સિવિલ હોસ્પિટલ કાર્યરત હતી તેને દૂર કરીને હવે અહીં જુનાગઢ ડિસ્ટ્રીક કોર્ટના નવા ભવનનુ કામ ચાલી રહ્યું છે.
જૂનાગઢમાં અનેક ઐતિહાસિક ધરોહરો
નવાબના સમયમાં બનેલી બેનમૂન સ્થાપત્યના ઉદાહરણરૂપે આઝાદ ચોક નજીક આવેલી 125 વર્ષ કરતાં પણ જૂની લાઈબ્રેરી અને સરદાર બાગમાં આવેલા દિવાનખાનામાં આજે મ્યુઝિયમ અને ઓપેરા હાઉસ પણ જુનાગઢના વારસાની સાક્ષી પૂરી રહ્યા છે. સરદાર પટેલ અને મજેવડી દરવાજો, ઢાલ રોડ અને માંડવી ચોકમાં આવેલી કમાનો જૂનાગઢના ઐતિહાસિક વારસાને જાળવીને પણ આજે અડીખમ ઉભેલા જોવા મળે છે. રાણીના મહેલ તરીકે ઓળખાતા ભવનમાં આજે જુનાગઢ જિલ્લા કોર્ટ કામ કરી રહી છે, આ સિવાય નવાબ અને દીવાનનો મકબરો બે નમૂનો કલાકૃતિ અને વારસાનો ઉત્તમ દ્રષ્ટાંત પણ પૂરું પાડે છે.