જુનાગઢ: આજે વિશ્વ રક્તદાતા દિવસ છે ત્યારે રક્તદાનનું મહત્વ શું હોય છે તેનું જીવંત દ્રષ્ટાંત જુનાગઢના મયુરભાઈ દેસાઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ખૂબ જ્વલેજ A નેગેટિવ બ્લડ ગ્રુપના લોકો જોવા મળતા હોય છે અને તેમા મયુરભાઈ દેસાઈનો પણ સમાવેશ થાય છે. અમૂલ્ય લોહી અને તેમાં પણ અતિ મૂલ્યવાન A નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવતા મયુરભાઈ એ અત્યાર સુધી રક્તદાનની સદી ફટકારી છે. ત્યારે વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાનનું શું છે મહત્વ,ચાલો જાણીએ સદીવીર મયુર દેસાઈ પાસેથી.
રક્તદાન એ મહાદાન છે: પ્રત્યેક વ્યક્તિ રક્તદાન પ્રત્યે જાગૃત થાય તે માટે 14મી જુનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજનો દિવસ રક્તદાતાઓને સમર્પિત કરવામાં આવ્યો છે, ત્યારે રક્તદાનને લઈને આવા જ એક સમર્પિત યોદ્ધા જુનાગઢમાં પણ છે. મયુરભાઈ દેસાઈએ 1987-1988થી રક્તદાન કરવાની શરૂઆત કરી હતી અને આજે 103 વખત રક્તદાન કરીને તેઓ અનેક જીવોને ઉપયોગી બન્યા છે. મયુરભાઈ માને છે કે, રક્તદાન પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ. સમગ્ર વિશ્વમાં કોઈ પણ ચીજની અવેજી આજે હાથ-વગી બની છે, પરંતુ લોહીની અવેજી આજે પણ કુદરતે પ્રત્યેક વ્યક્તિને આપી છે જેથી રક્તદાનને મહાદાન પણ કહેવામાં આવે છે.
મયુરભાઈ 1988થી કરી રહ્યા છે રક્તદાન: મયુરભાઈ દેસાઈ 1987-88માં બરોડા રહેતા હતા એ દરમિયાન તેમણે રક્તદાન કેમ્પમાં જઈ પ્રથમ વખત બ્લડ ગ્રુપ તપાસ્યું ત્યારે તેમને ખબર પડી કે તેમના લોહીનું ગ્રુપ A નેગેટિવ છે. આ પ્રકારનું લોહી હજારો લોકોમાથી એક વ્યક્તિમાં હાજર જોવા મળે છે, આથી ગ્રુપની દ્રષ્ટિએ A નેગેટિવ ગ્રુપને અમૂલ્ય માનવામાં આવે છે. અહી ખાસ વાત એ છે કે, 1988ના રક્તદાન કેમ્પમાં આયોજકોએ મયુરભાઈ દેસાઈને જરૂર પડે ત્યારે જ રક્તદાન કરવાની સલાહ આપી હતી. પરંતુ મયુરભાઈ આજે પણ રક્તદાન કરવાને લઈને ઉત્સાહિત જોવા મળે છે. 2018 સુધી તેઓએ દર ત્રણ મહિને સતત રક્તદાન કર્યું છે. આ સિવાય આકસ્મિક અને ઇમર્જન્સીના કેસમાં A નેગેટિવ લોહીની તાકિદે જરૂરિયાત ઊભી થાય તેવા સમયે પણ મયુરભાઈએ રક્તદાન કરીને લોકોના જીવ બચાવવાનું પુણ્યશાળી કામ કર્યું છે.
આ વાત થઈ મયૂરભાઈની, જેઓ રક્તદાનના મહત્વને જાણી તેની ઉણપને દૂર કરવાના મિશન પર લાગ્યા છે. આ સાથે જ ભારતમાં પણ ઘણા લોકો આવી રીતે રકતદાન કરે છે. તો ચાલો જાણીએ કે ભારતમાં રકતદાન કરવાના માપદંડો શું છે.
ભારતમાં આ રક્તદાતાના માપદંડો: ભારતમાં રેડક્રોસ, અન્ય ખાનગી અને સરકાર દ્વારા અનુદાનિત બ્લડ બેન્ક કાર્યરત છે. જે સમયાંતરે અને અનેક પ્રસંગોને અનુરૂપ રક્તદાન કેમ્પ કરીને લોહી એકત્ર કરતી હોય છે. ઉપરાંત ભારતમાં રક્તદાન માટે યોગ્યતાના માપદંડ પણ નક્કી કરાયા છે. જેમાં 18 વર્ષથી ઉપરની અને 65 વર્ષ સુધીની કોઈપણ સ્વસ્થ વ્યક્તિ કે જેનું વજન ૪૫ કિલોગ્રામ હોય તેવા દરેક પુરુષ 90 દિવસે અને દરેક સ્ત્રી 120 દિવસે રક્તદાન કરીને લોહીની અછતને દૂર કરવા મદદરૂપ બની શકે છે.
વિદેશમાંથી આયાત કરવું પડે છે લોહી: ભારત જેવા દેશોમાં આજે પણ લોહીની જરૂરિયાત પૂરી કરવી પડકારરૂપ માનવામાં આવે છે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ભારતની લોહીની જરૂરિયાત પૂરી કરવા માટે કુલ વસ્તીના 1 ટકા લોકો રક્તદાતા બને તે જરૂરી છે. ભારતમાં પ્રતિ વર્ષ અંદાજિત 14 મિલિયન યુનિટ લોહીની જરૂરિયાત ઊભી થાય છે, જેને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પનું આયોજન અવાર નવાર કરવામાં આવે છે. તેમ છતાં ભારતને લોહી વિદેશમાંથી આયાત પણ કરવું પડે છે. તો આપણે પણ આજના દિવસની મહત્વતાને સમજીએ અને રક્તદાતાના લિસ્ટમાં જોડાઈએ.