સુરતઃ રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તા.9મી ઓગસ્ટ- ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ભવ્ય ઉજવણી સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા મથકે નાણા અને ઉર્જામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા.
આવી રીતે કરાઈ ઉજવણીઃ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ 9મી, ઓગષ્ટના દિવસે "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા 9 મી ઓગષ્ટના રોજ "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે સરકારના નાણામંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા પરંપરાગત પોશાક પહેરી આદિવાસી નૃત્ય કર્યું હતું. તેમજ મંત્રી કનુ દેસાઈના હસ્તે સરકારની અલગ અલગ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવા, જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.