રાજકોટ: જસદણના નાની લાખાવડ ગામે હનુમાનપરામાં રહેતાં વસંતભાઈ અરજણભાઈ બાવળીયાએ નોંધાવેલી ફરીયાદમાં ભાનુબેન વલ્લભ બાવળીયા અને તેના પુત્ર જયેશ વલ્લભ બાવળીયાનું નામ આપતાં જસદણ પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી બંને માતા-પુત્રની ધરપકડ કરી હતી. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતી કામ કરે છે અને પરિવારમાં ચાર ભાઈઓ છે. જેમાં મોટાભાઈ સુખાભાઈ, વલ્લભભાઈ અને વિઠ્ઠલભાઈ છે. મંગળવારની સવારના સાત વાગ્યાની આસપાસ તેઓ ઘરે સૂતાં હતાં ત્યારે તેમના પત્નીએ વાત કરેલ કે, વલ્લભભાઈના દીકરા જયેશના સસરા લાખાભાઈ ઘરે આવીને વાત કરેલ કે વલ્લભભાઈ અને તેની પત્ની ભાનુ અને દીકરો જયેશ રાત્રિના ઝગડેલ છે. જેથી તેઓ તેમની ઘરે ગયેલ અને ત્યાં જતાં વલ્લભ તેના રૂમમાં ખાટલા ઉપર લોહી લુહાણ હાલતમાં ઉંધા માથે સુતા હતાં.
શું હતો સમગ્ર મામલો: ઘટનાસ્થળે મૃતક વલ્લભભાઈનો પુત્ર જયેશ ઘરે હોય તેમને વાત કરેલ કે, રાત્રિના એક વાગ્યે મારા પિતાને કોઈ અન્ય મહિલા સાથે આડા સબંધની ઘણા સમયથી મારી માતાને શંકા હોઈ જેથી અવાર-નવાર ઝગડતા હતા. રાત્રે પણ બંને તે બાબતે ઝગડતા હતા અને અવાજ આવતા હું રૂમમાં ગયેલ અને બન્નેને ઝગડો નહી કરવાનું કહેતા મારા પિતા મારી સામે બોલાચાલી કરવા લાગેલ જેથી ગુસ્સો આવતા મે મારા પિતાને હાથથી પકડી રાખેલ અને મારી માતાને મારવા કહેતા રૂમમાં નાનુ લોખંડનું ધારીયુ હોય તે લઈ માતાએ પિતાના માથામાં અને શરીરે આડેધડ ધારીયાના 35 ઘા ઝીંક્યા બાદ ધારીયુ નીચે મુકી દીધેલ હતું.
આડાસંબંધની આશંકા: આ હત્યાના બનાવમાં વલ્લભભાઈ અરજણભાઈ બાવળીયાની પત્ની ભાનુબેન અને પુત્ર જયેશે વલ્લભભાઇના આડા સંબંધની શંકાએ હત્યા કરી હોવાનું જણાવતા પીઆઈ ટી.બી.જાનીએ મૃતકના ભાઈ વસંતભાઈની ફરિયાદના આધારે નવા કાયદા મુજબ બી.એન.એસ. 2023ની કલમ 103(1) 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ભાનુબેન અને પુત્ર જયેશની ધરપકડ કરી કાર્યવાહી જસદણ પીઆઈ ચલાવી રહ્યા છે.
નવા કાયદા હેઠળ ગુનો નોંધાયો: આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાએ જણાવ્યું હતું કે, જસદણ પોલીસ મથકના પીઆઈ ટી.બી. જાની સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને હત્યા કરી નાસી જનાર તેની પત્ની ભાનુબેનની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા ભાનુબેને કબુલાત આપી હતી કે, બનાવની રાત્રે તેનો પતિ વધારે પડતો ઝઘડો કરતો હોવાથી બાજુમાં જ રહેતા તેના પુત્ર જયેશે આવી ઝઘડો કરવાની ના પાડી હતી. પરંતુ પુત્ર સાથે પણ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી જયેશે કંટાળી જઈ તેના પિતા વલ્લભભાઈના હાથ પાછળથી પકડી રાખ્યા હતા અને ભાનુબેને રૂમમાં પડેલ ધારીયા અને હથોડી વડે તેના પતિના માથાના ભાગે અને શરીરમાં આડેધડ 25 જેટલા ઘા મારી દીધા હતા. જેથી જસદણ પોલીસે મૃતકના ભાઈ વસંતભાઈ અરજણભાઈ બાવળીયાની ફરિયાદના આધારે નવા કાયદા મુજબ બી.એન.એસ. 2023 ની કલમ 103(1) 54 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરી હતી.
પત્ની અને પુત્રની ધરપકડ: માતાએ રૂમમાં હથોડી પડેલ હોય તે લઈ તે પિતાને શરીરે આડેધડ મારમારી હત્યા નિપજાવી હતી. બાદમાં મને ભય લાગતાં મારી પત્નીને બાઇકમાં બેસાડી સસરાના ઘરે રાજકોટ આવતાં રહ્યા હતાં. બાદમાં મૃતક વલ્લભભાઈની પત્ની ભાનુબેન પોલીસ મથકે પહોંચી ગઈ હતી. જે પછી જસદણ પોલીસ મથકના પીઆઈ અને ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે હત્યારા માતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.