ડાંગ: સમગ્ર રાજ્યમાં શૈક્ષણિક નવા સત્રની શરૂઆત થઈ ગઈ છે, જોકે બીજી તરફ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પીંપરી ગામે વિદ્યાર્થીના વાલીઓનો વિરોધ જોવા મળ્યો. શાળામાં અપૂરતા ઓરડાને લઈને વાલીઓ વિફર્યા હતાં. ગ્રામજનોનો આરોપ છે કે, ગત વર્ષે કેટલાક જર્જરીત ઓરડા તોડી નાખવામાં આવ્યા હતા પરંતુ નવા ઓરડા હજી સુધી બનાવવામાં આવ્યા નથી.
![ગામ લોકોના વિરોધને પગલે અધિકારીઓ દોડી આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/gj-dang-02-startacademicworkatschool-av-gj10078_13062024220746_1306f_1718296666_257.jpg)
અપૂરતા ઓરડા વચ્ચે શિક્ષણિક સત્ર શરુ થતાં વાલીઓએ શાળાને તાળા મારીને વિરોધ નોંધાવ્યો હતો. નવા સત્રના પ્રથમ દિવસે જ શાળામાં તાળા લાગતા સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણાધિકારી દોડતા થયા હતા. ધારસભ્ય વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા હતો અને ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.
![ડાંગના પીંપરી ગામના વાલીઓએ શાળાને કરી તાળાબંધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/gj-dang-02-startacademicworkatschool-av-gj10078_13062024220746_1306f_1718296666_566.jpg)
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી મળેલી વિગતો અનુસાર, આહવા તાલુકાની પીંપરી પ્રાથમિક શાળા ખાતે કુલ આઠ જેટલા ઓરડાની ઘટ પ્રવર્તે છે. આ ઓરડાના બાંધકામ બાબતે વર્ષ 2020-21 માં 'નાબાર્ડ યોજના' અંતર્ગત સમગ્ર શિક્ષા- ગાંધીનગર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ કોઈ એજન્સીએ ટેન્ડર ભરેલું ન હોવાથી બાંધકામ પ્રક્રિયામાં વિલંબ થવા પામ્યો હતો. આ ઓરડાને લઈને પીંપરીના ગ્રામજનોએ ગત તારીખ 3 જૂન 2024ના રોજ રૂબરૂમાં લેખિત અરજી પણ સબંધિત વિભાગને આપી હતી. જે ખાસ કિસ્સા તરીકે મંજૂરી અર્થે ગાંધીનગર મોકલવામાં આવી છે.
![પીંપરી ગામના લોકોએ શાળામાં ઓરડાની ઘટ બાબતે નોંધાવ્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-06-2024/gj-dang-02-startacademicworkatschool-av-gj10078_13062024220746_1306f_1718296666_501.jpg)
શાળા કાર્યના પ્રથમ દિવસે જ ગ્રામજનોનો વિરોધ દેખાતા ડાંગ કલેક્ટર મહેશ પટેલે સબંધિત અધિકારીઓને હકારાત્મક નિકાલ માટેની સૂચના આપી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં મુખ્ય દંડક વિજય પટેલે પણ, ગ્રામજનો સાથે સંવાદ સાધી ઓરડા બાંધકામ બાબતે હકારાત્મક લાવવાની ખાતરી આપતા, બાળકોના શૈક્ષણિક કાર્યને વિપરીત અસર ન થાય તે માટે પ્રથમ દિવસથી જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.