અમદાવાદ : ગુજરાતભરમાં ચકચાર મચાવનાર તથ્યકાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. અમદાવાદ એસ.જી. હાઈવે પરના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને જેગુઆર કારના પૈડા નીચે કચડી નાંખનારા તથ્ય પટેલનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રીટમાં જેગુઆર કાર બનાવટી સહી કરીને કોઈ છોડાવી ગયું હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે અમદાવાદ પોલીસે ખુલાસો આપ્યો છે.
ફરી ચર્ચામાં આવ્યો તથ્યકાંડ : અમદાવાદ પોલીસે અખબાર યાદી જાહેર કરી માહિતી આપતા જણાવ્યુ કે, આજરોજ કેટલાક વર્તમાન સમાચાર પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થયેલ જેમાં “ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ હીટ એન્ડ રન કેસમાં વપરાયેલ કારનો વિવાદ ફરી ચગ્યો છે. તથ્યકાંડની જેગુઆર બોગસ સહી કરીને પોલીસના કબ્જામાંથી કોઇ છોડાવી ગયુ છે, મૂળ માલિક ક્રિશ વરીયાની સહી વિના જ ગાડી છોડાવતા હાઇકોર્ટમાં અરજી થઈ વગેરે મતલબના સમાચાર પ્રસિદ્ધ થયા હતા.
અમદાવાદ પોલીસનો ખુલાસો : જેમાં હકીકત એવી છે કે ગત 20 જુલાઈ, 2023 રાત્રે ઇસ્કોન ઓવરબ્રીજના ઉતર છેડા તરફ બાલેશ્વર સ્ક્વેરની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બાબતે એસ.જી. હાઇવે 2 ટ્રાફિક પોલીસ સ્ટેશન પાર્ટ A ગુ.ર.નં. 11191069230241/2023 ધી.ઇ.પી.કો.કલમ 279,337,338, 304,308,504,506(2),114 તથા એમ.વી.એક્ટ કલમ-177,184,134(b) મુજબનો ગુનો દાખલ થયેલ છે.
ક્યાં છે તથ્યકાંડની જેગુઆર કાર ? જેની તપાસ ટ્રાફિક A વિભાગના મ.પો.કમિશનર એસ. જે. મોદી કરી રહ્યા છે. આ ગુનામાં પકડાયેલ આરોપી તથ્ય પ્રજ્ઞેશભાઈ પટેલના કબજાની જેગુઆર કાર નંબર GJ- 01-WK-0093 ની તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી. જે જેગુઆર કાર હાલમાં એસ. જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે જમા છે. આ કેસમાં જેગુઆર કાર પરત છોડાવી ગયા અંગેના સમાચાર કેટલાક વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ થયા છે, જે ખોટા અને પાયાવિહોણા છે.
શું હતો મામલો : 19 જુલાઈ, 2023 ની મધ્યરાત્રિના અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર થયેલા એક અકસ્માતને લઈને ભીડ એકઠી થઈ હતી. આ સમયે ભારે ગતિથી આવેલી જેગુઆર કારચાલકે ભીડને અડફેટમાં લીધી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, જેમાં 9 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે એસ.જી. 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તથ્ય પટેલ અને તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જુદી જુદી કલમો હેઠળ પોલીસે ધરપકડ કરી હતી.
પરંતુ...આ મામલે અમદાવાદ પોલીસે કારના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકીને સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સમગ્ર મામલામાં ટ્રાફિક વિભાગના નાનાથી મોટા અધિકારી મીડિયા સાથે ખુલીને વાત કરવા તૈયાર નથી.