સુરત : રાજકોટ આગ હોનારતની ઘટના બાદ સફાળા જાગેલા મનપા, પોલીસ, કલેકટર, ડીજીવીસીસેલ, ફાયર વિભાગ સહીતના તંત્રએ કામે લાગીને આજે 17 જેટલા સ્થળોની તપાસ બાદ રવિવારે 10 જેટલા ગેમઝોન,6 પ્લે એરિયા, 4 મેળા, એક સર્કસ અને એક જાદુગરના શોને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક પ્લે ઝોનમાં ફાયર સેફટીના સાધનો પણ નહોતા. જ્યારે રાજકોટની ઘટના બની ત્યારે જ સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો ખરીદ્યા હતા.
ઘટના બન્યા બાદ ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા: સુરત શહેરના વિસ્તાર વેસુ ખાતે આવેલા રી બાઉન્સ ગેમ પાર્લરમાં જ્યારે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ફાયર સેફ્ટીના સાધનો તેઓએ તે જ દિવસે ખરીદ્યા હતા જ્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બની હતી. સુરત મહાનગરપાલિકાએ જેટલા પણ ગેમઝોન, મેળા, સરકસ સહિતના સ્થળોને બંધ રાખ્યા છે તેમને સલામતીની —જરૂરી પૂર્તતા થઇ હોવાની ખરાઈ થયા બાદ જ તે ખોલવામાં આવશે.
પાલિકાની કામગીરી સામે સવાલો: ઉલ્લેખનીય છે કે, સુરતમાં કેટલાક ગેમઝોન મોટા શેડમાં ચાલી રહ્યાં છે અને તેઓ પાસે ફાયરની એન.ઓ.સી. પણ નથી. ઘણાં સમયથી આવા ગેમઝોન ચાલતા હતા પરંતુ પાલિકાતંત્રએ કોઈ કામગીરી કરી ન હોવાથી પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સુરત મનપા કમિશનર શાલીની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપમ ગહેલોત અને કલેકટર દ્વારા સંયુક્ત મીટીંગ બાદ ચાર ટીમ બનાવવામાં આવી હતી, જેમાં દરેક ટીમમાં ચાર ચાર અધિકારીઓ મુકવામાં આવ્યા હતા.
અધિકારીઓએ તપાસ હાથ ધરી: આ 12 અધિકારીઓની ચાર ટીમોએ શહેરના કુલ 17 સ્થળોની તપાસ કરી હતી. સ્થળ તપાસ દરમ્યાન મુખ્યત્વે ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝીટ રૂટ, બિલ્ડીંગ યુઝ (બી.યુ.)પરમીશન, પાવર લોડ, જરુરીયાત મુજબના ફાયર વિભાગ સહિતના એન.ઓ.સી અને અન્ય સલામતીને લગતા મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન 11 પૈકી 10 ગેમઝોન બંધ કરાવાયા છે. જેમાં અઠવા ઝોનના 7 ગેમઝોન અને રાંદેર ઝોનના 3 ગેમઝોનનો સમાવેશ થાય છે. આ સાથે નાના 6 પ્લે એરિયા પણ બંધ કરાવાયા છે. વધુમાં અઠવા ઝોનમાં ચાલતા વનીતા વિશ્રામ સીટી લાઈટ ખાતું શ્યામ મંદિર પાસે, અને વીઆર મોલ સામે, એમ 3 મેળા, રાંદેર ઝોનમાં પાલ ગૌરવપથ રોડ પાસે આવેલ 1 મેળો સહીત કુલ ચાર મેળા પણ બંધ કરાવાયા છે.
ફાયર એન.ઓ.સી. વિના અનેક ગેમઝોન ધમધમી રહ્યા છે: વરાછા બી ઝોન એટલે કે સરથાણા ઝોનમાં ચાલતું રેમ્બો સર્કસ અને લીંબાયત ઝોનમાં ડીંડોલી ખાતે ચાલતા એક જાદુગર-શોને પણ તપાસ બાદ તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે, સુરતમાં પણ રાજકોટ જેવી ગંભીર બેદરકારી બહાર આવી છે. સુરતમાં પણ રાજકોટની જેમ ફાયર એન.ઓ.સી. વિના અનેક ગેમઝોન ધમધમી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મોટાભાગના ગેમઝોન પતરાના મોટા શેડમાં બનાવવામાં આવ્યા હતા. વેલેન્ટાઈન સિનેમામાં ચાલતા ફ્યુચર ઝોનમાં કેબલ હિટીંગની ઘટના તપાસમાં જ સામે આવી હતી અને અર્થિંગ વાયરના મામલે પણ કચાશ જોવા મળતા એણે તાકીદે બંધ કરાવાયો હતો. મોટા ભાગના ગેમઝોનને રબર ફલોરિંગના મુદ્દે પણ બંધ કરાવી દેવાયા છે.
ફાયર વિભાગની કામગીરી: સુરતમાં તક્ષશિલા દુર્ઘટના બાદ પાલિકાના ફાયર વિભાગની કામગીરી સઘન બની હતી પરંતુ ત્યાર બાદ કામગીરીમા ઢીલાશ જોવા મળી રહી છે. રાજકોટ દુર્ઘટના બાદ શહેરમાં અનેક ટેમ્પરરી સ્ટ્રકચર તાણી બાંધીને તેમાં ગેમઝોન ચલાવવામાં આવી રહ્યા છે. પાલિકા ટેમ્પરરી સ્ટ્રકચરની મંજૂરી આપે છે. પરંતુ ત્યાર બાદ તેમાં કયા પ્રકારની પ્રવૃત્તિ થાય છે તે જોવાની તસ્દી લેતી નથી. જેના કારણે રાજકોટ જેવી દુર્ઘટના થવાની ભીતી આવે છે. સુરતમાં ફાયરની એન.ઓ.સી. વિના ગેમઝોન ચાલતા હતા તેને હાલ બંધ કરાવ્યા છે પરંતુ આવી જોખમી અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનારા સામે કોઈ પગલા હજી સુધી લેવામાં આવ્યા નથી. આ સમગ્ર મામલે હાલ તો મનપા કમિશનર, પોલીસ કમિશનર અને કલેક્ટર સતત મોનીટરીંગ કરી રહ્યા છે.
રિપોર્ટ પ્રમાણે આખા વર્ષ અંગે ખબર પડશે: પાલિકાની ટીમ સાથે સતત DGVCLની ટીમ પણ તમામ ગેમઝોનમાં તપાસ હાથ ધરી રહી છે. DGVCLના કર્મચારી અંબિકાબેને જણાવ્યું હતું કે, અમે હાલ મીટર નંબર લઈએ છે અને કનેક્શન કેટલું છે તે જાણીશું. લોડીંગ ડિમાન્ડ પ્રમાણે ચાલે છે કે નહીં તેની તપાસ કરી રહ્યા છે. આ રિપોર્ટ પ્રમાણે આખા વર્ષ અંગે ખબર પડી જશે. ડિવિઝનમાં એનાલિસિસ કરવામાં આવે છે.