ભાવનગર : ચોમાસા દરમિયાન વાદળોના ઘેરામાં જમીન સૂર્યથી અળગી બની જાય છે. હા ચોમાસામાં ઘેરાયેલા વાદળો વરસાદ માટે જરૂરી છે. પરંતુ ઘણો સમય લાંબો સમય સુધી સૂર્યનારાયણ દર્શન આપતા નથી, તો ચોમાસામાં ઉદભવતા વાયરસને ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. આપણે અહીંયા વાયરસથી બચવા શું કરવું જોઈએ તેની વાત કરવી છે. ચાલો જાણીએ...
વાદળછાયું વાતાવરણ ખતરનાક ? આમ તો ચોમાસામાં વાદળો વચ્ચે સૂર્યની હાજરી ઓછી જોવા મળે છે. જીવસૃષ્ટિમાં વરસાદ સાથે સૂર્યની ઉર્જા પણ જરૂરી છે. પરંતુ વાત એ છે કે જો 15 થી 20 દિવસ સૂર્યની ગેરહાજરી અને વાદળ છવાયેલા રહે તો રોગચાળો ફેલાય છે. રોગચાળો ફેલાવાનું કારણ વાયરસ હોય છે. ચોમાસામાં સૂર્યની ગેરહાજરીથી વાયરસ વધુ માથુ ઊંચકે છે. આથી આ પ્રકારના વાતાવરણમાં લોકોએ કેવી કાળજી રાખવી જોઈએ તે માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી.
રોગચાળાથી બચવા શું કરશો ? ઘણા દિવસો સુધી સૂર્ય ન નીકળે અને માત્ર વાદળછાયું વાતાવરણ રહે તે ગંભીર સ્થિતિ હોઈ શકે છે. આ અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. આર. કે. સિંહાએ જણાવ્યું કે, આવી કન્ડિશન હોય ત્યારે બેક્ટેરિયા અને વાયરસના ફેલાવાને અનુકૂળ વાતાવરણ મળે છે. ટેમ્પરેચર 28 થી 32 આજુબાજુ રહે છે. તેમાં ખાસ કરીને શરદી અને ખાંસી તથા તાવના વાયરસ વધે છે. આ સમયે વાસી અને હાઇજેનિક ન હોય તેવો ખોરાક ખાવાથી ઝાડા ઉલ્ટીના પણ કેસ થાય છે, જેનાથી ધ્યાન રાખવું. ખોરાકને માખીઓથી બચાવીને રાખવો. આવા વાતાવરણમાં ડેન્ગ્યુના કેસ પણ વધારે જોવા મળે છે.
યોગ્ય ખોરાક, અકસીર ઉપાય : આમ તો ગોરંભાયેલા વાદળો વચ્ચે હંમેશા રોગચાળો માથું ઉચકે છે. તેમાં સૌપ્રથમ શરદી, ખાંસી અને તાવ વધારે પ્રમાણમાં સામે આવતા હોય છે. પરંતુ જો ખાણીપીણીને પગલે કાળજી રાખવામાં આવે તો સીઝનેબલ વાયરસથી જરૂર બચી શકાય છે.