સુરત: મંદીનો સામનો કરી રહેલા હીરાઉદ્યોગમાં કર્મચારીઓને ઓછું કામ મળવા સાથે નોકરી ગુમાવવી પડી રહી હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે સુરત અને સૌરાષ્ટ્રમાં મોટાપાયે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડનું કામ કરતી મારૂતિ ઇમ્પેક્સ નામની કંપની ત્રણ- ચાર મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાનો ઓડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. મારૂતિ ઈમ્પેક્સના સુરત અને સૌરાષ્ટ્રના ભાવનગર, લાઠી, બાબરા સહિતના વિસ્તારમાં ૧૦૦થી વધુ ખાતા આવ્યા છે અને કંપની બંધ કરાતા નાના-મોટા ૧૫ હજારથી વધુ કર્મચારીઓને અસર થશે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજને લઈને દિવસભર હીરાબજારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ઓડિયોમાં કંઈક આ પ્રકારનો સંદેશ હતો...
''દરેક ખાતાઓને જાણ કરવામાં આવે છે કે, ત્રણ-ચાર મહિના માટે ફેક્ટરી બંધ રહેવાની છે. એવું ઉપરથી ડિસીઝન આવી ગયું છે. જેથી મેઈન હેડને ખાસ સુચના છે કે, જ્યાં જગ્યા મળે ત્યાં જગ્યા ગોતી લેવાની. જ્યાં તમને અનુકુળ લાગે ત્યાં કામે બેસી જવાનું. કંપનીમાં જ્યારે બોલાવે ત્યારે આપણી અનુકુળતા હોય તો આવવાનું નહીં તો કાંઈ નહી. તમામ મેનેજરને આ મેસેજ આપી દેજો. આખી મારૂતી હમણા ત્રણથી ચાર મહિના બંધ છે. જેથી કોઈને કામે બેસાડવાના નથી. વોચમેન સિવાયના તમામ કર્મચારી હવે છૂટા છે. આપણે સાથે રહ્યા તેથી ખુબખુબ આભાર. ભાગ્યમાં હશે તો આપણે ફરી મળીશું' આ પ્રકારના મેસેજથી હીરાઉદ્યોગમાં ફરી અનિશ્ચિતતાનું વાતાવરણ બન્યું છે''.
કુંટુબીજનોએ જણાવી હકીકત: બીજી બાજુ મારૂતિ ઈમ્પેક્સના માલિક સુરેશભાઈ ભોજપરાને નજીકથી ઓળખતા અને ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમના નજીકના કૌટુબિંક સભ્યએ જણાવ્યું હતું કે, કંપનીને કોઈપણ પ્રકારની ફાયનાન્સિયલ તકલીફ નથી. હાલ કંપની બંધ રાખવા પાછળનું મુખ્ય કારણ સુરેશભાઈની નાદુરસ્ત તબિયત છે. દિવાળી પહેલા તેમને બ્રેઈન સ્ટ્રોક આવતા તેઓ પથારીવશ છે. કંપનીનો આખો વહીવટ ફક્ત સુરેશભાઈ જુએ છે અને તેમના સિવાય બીજા કોઈને આ બાબતે કાંઈ ખબર નથી તેમજ કંપનીમાં તેમના કોઈ ભાગીદાર પણ નથી. જેથી તેમની તબિયતમાં સુધારો નહીં આવે ત્યાં સુધી કંપની બંધ રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી.
''મને જે જાણકારી છે, તે મુજબ મારૂતિ ઈમ્પેક્સના માલિક સુરેશભાઈ ભોજપરાની નાદુરસ્ત તબિયતને કારણે કંપની બંધ રાખવામાં આવનાર છે. ગુજરાત સિવાય વિદેશમાં પણ તેમની દસેક ઓફિસ છે. સુરેશભાઈ જેવા ઉદ્યોગકાર વહેલી તકે સારા થાય અને કામદારોને ફરી રોજગારી મળી રહે તે માટે અમે પ્રાર્થના કરીશું'' ભાવેશ ટાંક, ઉપપ્રમુખ, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત