કચ્છ : આગામી સમયમાં રજૂ થનાર કેન્દ્રીય બજેટને લઇ ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓમાં નવી ઉમ્મીદ જાગી છે. વેપારીઓની અપેક્ષા છે કે, આગામી સમયમાં કચ્છને અધતન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, AIIMS, વંદે ભારત ટ્રેન અને એર કાર્ગો મળે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનાર કેન્દ્રીય બજેટ 2024- 25 પર શું છે આશા -અપેક્ષા જાણો ETV BHARAT ના વિશેષ અહેવાલમાં...
કેન્દ્રીય બજેટ 2024-25 : આગામી સમયમાં કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મંત્રી અશોક વોરાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાંપ્રધાન વર્ષ 2024-25 માટે બજેટની જાહેરાત કરે તેમાં ભુજના ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓને પણ ખાસ આશા અને અપેક્ષાઓ છે. કચ્છની અંદર વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ છે, લાઇટની સુવિધા, રોડ રસ્તાઓ અને બે મોટા મહાબંદરો છે. ઉપરાંત વિસ્તારની દૃષ્ટિએ પણ સૌથી મોટો જિલ્લો હોવાથી જમીન પણ છે, ત્યારે હજુ પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે તો તેમના માટે પણ ખૂબ સારો અવકાશ છે.
કચ્છના વેપારીઓની અપેક્ષા : અશોક વોરાએ જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં સેન્ટ્રલ બજેટ સમયે વેરામાં રાહત અને ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રેનની માંગણી કરવામાં આવતી હતી. આ બંને વસ્તુ મહત્વની હતી, પરંતુ હવે કંઈ માંગવા જેવું રહ્યું નથી. કારણ કે વેરામાં રાહતનો નિર્ણય જીએસટી વિભાગ હેઠળ આવી ગયો અને ટ્રેનની સવલતો માટેનો વિભાગ કેન્દ્રીય સરકારે બંધ કરીને જવાબદારી નાણાં વિભાગને સોંપી દીધું છે. કચ્છની પ્રજા મુંબઈમાં અને વિદેશમાં મોટા પાયે વસે છે, ત્યારે તેમનું કચ્છની અંદર પણ યોગદાન રહેલું છે. ભુજથી મુંબઇની ફલાઇટના ભાડા વિદેશની ફ્લાઇટ કરતા પણ મોંઘા છે અને તેની ક્ષમતા પણ ઓછી છે, ત્યારે આગામી સમયમાં નવી ફ્લાઇટ મળે તેવી અપેક્ષા છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટની માંગ : અશોક વોરાએ વધુમાં જણાવ્યું કે, આ ઉપરાંત નવી ફલાઇટમાં પણ જે ભાડા છે તેના દર નક્કી કરવા જોઈએ જેથી કરીને ભુજથી મુંબઈ જવા માટે મુસાફરોને સારી સગવડ મળી રહે. ઉપરાંત કચ્છને એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવામાં આવે તો ગલ્ફ દેશોના લોકો સરળતાપૂર્વક કચ્છ આવી શકે અને વાહનવ્યવહાર પણ સરળ બની શકે તેમ છે. કારણે કે તેમને અમદાવાદ અથવા મુંબઈ આવું પડે છે, ત્યારબાદ તેઓ કચ્છ આવતા હોય છે. માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે માન્યતા મળે જેથી કરીને કચ્છને ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે તેવી આશા છે.
વૈશ્વિક ધરોહર ધોળાવીરાનો વિકાસ તો થઈ રહ્યો છે, પરંતુ આ વિકાસ ઝડપથી થાય તે જરૂરી છે. જે રીતે સફેદ રણમાં જે રીતે વિકાસ કરવામાં આવ્યો, તે જ રીતે ધોળાવીરાનો વિકાસ થાય તો અસંખ્ય લોકો તેની મુલાકાત લેશે અને હડપ્પન સંસ્કૃતિ અંગે જાણશે અને સમજશે. -- અશોક વોરા (મંત્રી, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)
કચ્છી જનતાની જરૂરિયાત : કચ્છ એક વિશાળ જિલ્લો છે અને સાથે જ અહીં તમામ પ્રકારના લોકોના સ્વાસ્થ્યને અનુકૂળ આવે તેવું વાતાવરણ છે. ત્યારે મેડિકલ હબ તરીકે કચ્છનો વિકાસ થાય તે માટે AIIMS જેવી સંસ્થા કચ્છને મળે તેવી પણ એક આશા છે. હાલમાં કચ્છમાં જે ટ્રેન ચાલે છે તેમાં હજુ અન્ય ટ્રેનનો વધારો કરવો અનિવાર્ય છે. સાથે અન્ય સ્થળોએ પણ ટ્રેન કનેક્ટિવિટી વધે તેવી આશા છે. હાલમાં જ્યારે કચ્છના વિસ્તારોમાં ઈલેક્ટ્રીક ટ્રેન માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, ત્યારે કચ્છમાં પણ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મળવી જોઈએ. જેથી પ્રવાસીઓને પણ ખૂબ સગવડતા રહેશે.
વિદેશ કનેક્ટીવીટી માટે એર કાર્ગો : આ ઉપરાંત કચ્છ ખેતી ક્ષેત્રમાં પણ આગળ છે, ખેતરમાં પણ નર્મદાના પાણી પહોંચી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર વિવિધ ખેત પેદાશો પણ થઈ રહી છે. તો ભણેલા ગણેલા લોકો પણ ખેતી કરી રહ્યા છે. આધુનિક ખેતી પણ લોકો કરી રહ્યા છે. તો જો એર કાર્ગોની સુવિધા દરરોજ કચ્છને મળે તો કચ્છની ખેત પેદાશો વિદેશ સુધી પહોંચાડી શકાય તેમ છે તથા વિદેશમાંથી વિદેશી હૂંડિયામણ કચ્છમાં લાવી શકાય તેમ છે.
ઈલેક્ટ્રિસિટી દરમાં રાહતની અપેક્ષા : ઇન્ડસ્ટ્રીને લગતી અપેક્ષા અંગે વાત કરતા અશોક વોરાએ જણાવ્યું હતું કે, નાના મોટા પ્રશ્નોને સ્થાનિક સ્તરેથી જ ઉકેલી લેવામાં આવતા હોય છે, જેથી કરીને કોઈ એવી ખાસ ફરિયાદ નથી. પરંતુ જો સરકાર ઈલેક્ટ્રિસિટી દરમાં રાહત આપે તો થોડું ભારણ ઘટે અને ઇન્ડસ્ટ્રી સારી રીતે ચાલી શકે. આમ ભૂકંપ બાદ કચ્છને ઘણું બધું સરકારે આપ્યું છે અને હજી પણ ઘણું બધું સરકારે આપવાનું બાકી છે. જેથી બાકી ખૂટતી કડીઓ સરકાર સત્વરે પૂરી કરે તો કચ્છ ભારતનો એક જોવાલાયક જિલ્લો બની રહેશે.