ગાંધીનગર: આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. ગુજરાતમાં ભાજપની 25 અને કોંગ્રેસની એક બેઠક પર સ્થિત થઈ છે. બનાસકાંઠા લોકસભા સીટ પર ગેનીબેન ઠાકોર જીત્યા છે. ભાજપનું ત્રીજી વાર ક્લીન સ્વીપનું સ્વપ્ન રોડાયુ છે. ચૂંટણી પરિણામો બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચૂંટણીના પરિણામ અંગે જણાવ્યું કે, દેશમા લોકસભા ચૂંટણીની પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમા સંપન્ન થઇ છે તેના માટે મતદારો,અધિકારીઓ,પદાધિકારીનો આભાર વ્યકત કરુ છું. ચુંટણી પ્રક્રિયાના આ જટીલ કાર્યમા એક પણ અનિચ્છનીય ઘટના બની નથી.
આજે ગુજરાતમા તમામ 26 બેઠકોની પરિણામ જાહેર થયુ છે જેમા ભારતીય જનતા પાર્ટીને એક બેઠકનુ નુકશાન થયું છે. આ અગાઉ બે વખત લોકસભામા 26 માંથી 26 બેઠકો ભાજપ જીતવામા સફળ થઇ હતી અને આ વખતે ગુજરાતમા 26 માથી 26 બેઠકો જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠક બનાસકાંઠાની અમે જીતી નથી શક્યા. આ બેઠક હારવાનુ દુખ છે અને જાણે અજાણે અમારાથી કે સરકારથી કોઇ ભુલ થઇ હશે જેના કારણે આ એક બેઠકનુ નુકશાન થયુ છે. અમારી ભુલો શોઘવાનો પ્રયત્ન કરીશું.
તેમણે સુરતની બેઠક અંગે જણાવ્યું કે, આખા દેશમા ભાજપની સુરતની બેઠક બિનહરિફ થઇ હતી આ સિવાય બાકીની 24 બેઠકોમા ભાજપને મતદારોનુ સમર્થન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા તેમજ દેશના ગૃહમંત્રી અમિત શાહે જે રીતે ઉમેદવારની પ્રક્રિયાથી માંડી દરેક રીતે મદદરૂપ થયા તેના કારણે જીત મેળવવામા સફળતા મળી છે. ગુજરાતમા 25 બેઠકો જીતવા બદલ સૌ મતદારો અને ગુજરાતના તમામ લોકોનો આભાર વ્યકત કરીએ છીએ. આ જીત ગુજરાતના વિકાસનુ અને મતદારોનો ભાજપ પ્રત્યે વિશ્વાસ છે તેનુ પ્રતિબિંબ છે. અમારાથી થયેલી ક્ષતીને દુર કરવાનો પ્રયત્ન કરીશુ. રાજકોટમા થયેલા અગ્નિકાંડને યાદ કરતા તેમણે જણાવ્યું કે, રાજકોટની અગ્નિકાંડની ઘટનાનુ ખૂબ દુખ છે જેના કારણે આ જીતની ઉજવણી કે રેલી યોજવામા આવશે નહી. રાજકોટની ઘટનામા પીડિતોના પરિવારમા સહભાગી થવાનો પ્રયત્ન કરીએ છીએ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, આજે લોકસભા ચૂંટણીનુ પરિણામ જાહેર થયુ છે. ગુજરાતમા 26 માંથી 26 બેઠક બે વખત જીત્યા હતા આ વખતે પણ કાર્યકર્તાઓના વિશ્વાસ અને મહેનતથી 26 માથી 26 જીતવાનો સંકલ્પ કર્યો હતો પરંતુ એક બેઠકમા મતદારોનુ દિલ જીતવામા સફળતા નથી મળી. બનાસકાંઠાની હારમા જે કયાંય ત્રુટી રહી ગઇ છે તેનુ મનોમંથન કરીશું અને વિકાસના કાર્યો વધુ વેગવંતા બને તે દિશામા કામ કરવાનો પ્રયાસ કરીશું.