પોરબંદર: જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પોરબંદરમાં છેલ્લા 3 દિવસમાં વરસાદે આફત વરસાવી હોય તેવી રીતે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ભાદર ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેનું પાણી પોરબંદરના નીંચાણવાળા વિસ્તારમાં ફરી વળ્યું હતું અને રાત્રિના સમયે આ પાણી આવતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: પોરબંદરના નીંચાણવાળા વિસ્તારમાં ઘાસ ગોડાઉન પાછળનો વિસ્તાર, કડિયા પ્લોટ, મિલપરા, ખડપીઠ અને નવા કુંભારવાડા વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે છેલ્લા 3 દિવસમાં 15 ઇંચ થી પણ વધુ વરસાદ વરસતા લોકોને ભારે હાલાકી પણ ભોગવવી પડી હતી. ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. અલગ અલગ સ્થળોએ આશ્રિતોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા અને વિકટ પરિસ્થિતિમાં ન મૂકાય તે માટે સ્થાનિક કાઉન્સિલર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટ અને દૂધનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
2 દિવસથી પાણી ઓસર્યું નથી: નીંચાણવાળા વિસ્તારમાં 2 દિવસથી આ પાણી હતું તે હજુ સુધી ઓસર્યું નથી. વરસાદે વિરામ લીધા બાદ હજુ સુધી પાણી ઓસરવા માટે હજુ 2 દિવસનો સમય લાગશે એવું અનુમાન કરાઇ રહ્યું છે. ત્યારે પશુપાલકોને ભારે હાલાકી પડી હતી. સતત વરસેલા વરસાદના કારણે અને નીંચાણવાળા વિસ્તારોમાં રહેતા પશુપાલકો ભારે વરસાદમાં ભારે હેરાન થયા હતા. પોરબંદરના એક પશુપાલકે જણાવ્યું કે, અમારી પાસે પશુઓ છે. તેમને સલામત સ્થળે રાખવામાં આવ્યા છે. પરંતુ પશુઓ માટેનો ચારો સદંતર પલળી ગયો છે. જેના કારણે સરકાર દ્વારા ઘાસચારાની મદદ કરવામાં આવે તેવી અપીલ કરી છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત: પોરબંદરમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ નિયંત્રણમાં હોવાનું તંત્રએ જણાવ્યું હતું ત્યારે પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે, છેલ્લા 3 દિવસથી પોરબંદરમાં ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રણાવાવના અમુક વિસ્તારમાં પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને બેરીકેડ મુકવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકો અને પોલીસના સહયોગથી અનેક લોકોને મદદ પણ કરવામાં આવી હતી.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ નિયંત્રણમાં: નેવીની મદદથી અનેક લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા હતા. જ્યાં પહોંચી શકાય ત્યાં મરીન પોલીસ દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા અને નગરપાલિકાના સહયોગથી અનેક લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. હાલ આ સંપૂર્ણ પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. વરસાદે વિરામ લીધો હોવાથી હાલ પૂરગ્રસ્ત વિસ્તારની પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ,રેવન્યુ, પંચાયત વિભાગના સંકલન સાથે નાગરિકોની સુરક્ષા માટે ટીમ પોરબંદર કટિબદ્ધ છે. વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.