ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સામે છેડે ભાજપ ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ શાસનની નિષ્ફળતા વર્ણવી હતી. તેમણે વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
અર્જુન મોઢવાડિયાનો સરકાર પર આરોપ : ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ સરકાર તરફથી સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. વિધાનસભા ફ્લોર પર નાણાં અને ઉર્જા વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર વિરોધી નિવેદન કર્યું હતું.
સાવરકુંડલાના ધારાસભ્યનો પલટવાર : સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ અર્જુન મોઢવાડિયાના નિવેદનને વખોડતા જણાવ્યું કે, કોંગ્રેસે સુસાશન આપ્યું હોત તો નર્મદાના પાણી માટે લોકોને વર્ષો સુધી વલખા મારવા ન પડ્યા હોત. વર્ષ સુધી ગુજરાતની ધરતી સૂકી રહી છે. ગુજરાતની જનતાએ જે રસ્તો કોંગ્રેસને બતાવ્યો છે તે યોગ્ય જ છે. ગુજરાતની તરસી જનતાને તમે પાણી માટે ટવળાવી છે. કોંગ્રેસે તેના શાસનમાં જનતાને ન પાણી આપ્યું કે ન વીજળી આપી. ભાજપ સરકારમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ કામ કર્યું છે. કોંગ્રેસે માત્ર સત્તા ભોગવી છે. જનતાનુ કોઈ કામ કર્યું નથી.
કોંગ્રેસ શાસન પર આક્ષેપ : મહેશ કસવાલાએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસે ડેમ બનાવ્યા પણ તેમાં પાણી ન ભર્યું. નર્મદા યોજનામાં ડેમમાં પાણી મોદીએ પહોંચાડ્યું છે. 12 હજાર ગામમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. ગામડાઓમાં વીજળી માટે માતા-બહેનો રાહ જોતી અને ભગવાનને પ્રાર્થના કરતી હતી. નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજના હેઠળ ગામડામાં 24 કલાક વીજળી આપી છે. વીજ કનેક્શન માટે પિતાએ અરજી કરી હોય તો વર્ષો બાદ પુત્રને કનેક્શન મળતું હતું.
વીજ કનેક્શન મુદ્દે ચાબખા : ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે, ખેડૂતો 15 વર્ષ વીજ કનેક્શન માટે રાહ જોતા હતા. હાલમાં ખેડૂતોને તાત્કાલિક વીજ જોડાણ ભાજપ સરકાર આપે છે. કુદરતી ગેસ સંપદા ગુજરાતમાં હોવા છતાં ગેસ કનેક્શન માટે વર્ષો સુધી અરજદારો રાહ જોતા હતા. ખેડૂતોની દુહાઈ લેવા, કોંગ્રેસની નિષ્ફળતાને ઢાંકવા તમે સતત પ્રયાસ કરતા રહો છો. આરોગ્ય સેવા ક્યાં હતી તમારા શાસનમાં ? ગાડા લઈને હોસ્પિટલ જવું પડતું હતું. આજે રોડ કનેક્ટિવિટી છે અને 108 પણ ઉપલબ્ધ છે.