બનાસકાંઠા: દાંતા રોડ ઉપર શક્તિભવનની મહાકાય દીવાલ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થઈ હતી. આ દિવાલ પાછળ આવેલી સોસાયટીની વીજડીપી પર ધડાકાભેર પડી હતી. જોકે વીજડીપી પર દિવાલ ધરાશાયી થતાં વીજડીપીમાં મોટો ધડાકો થયો હતો. જે સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે દીવાલ નજીકમાં કોઈ લોકો ના હોવાથી આ ઘટનામાં મોટી જાનહાની થતા ટળી છે.
ગુરુપૂર્ણિમાના કારણે જાનહાની ટળી : આજે યાત્રાધામ અંબાજી ખાતે ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી શક્તિ ભવનની પાછળ આવેલી પ્રોટેક્શન વોલ હતી. જે અંદાજે 60 ફૂટ ઉપરાંત લાંબી અને 16 ફૂટ જેટલી ઊંચી દીવાલ હતી. જે આજે ધરાશાયી થઇ હતી. આ દીવાલમાં GEBની વીજડીપી પણ આવેલી હતી જેના પર દીવાલ ધરાશાયી થઈ હતી અને વિજડીપીનો કાટમાળ પણ દટાયો હતો. આ દિવાલ નજીક જ ભગવતી સોસાયટીના લોકો પોતાના વાહનો પાર્ક કરતા હતા. પરંતુ આજે ગુરુપૂર્ણિમા હોવાના કારણે લોકો વાહનો લઇ વહેલા નીકળી ગયા હતા જેથી આ ઘટનામાં જાનહાની ટળી છે.
મજૂરો મોડા આવતા બચાવ : આટલી લાંબી બનાવેલી દીવાલમાં કોઈ જ સપોર્ટ આપવામાં આવ્યો ન હતો. તેમજ બાંધકામ ગુણવત્તા વિહીન હોવાની પણ ચર્ચાઓ છે. જોકે દીવાલ નજીક જ શક્તિ ભવનનું બાંધકામ પ્રગતિમાં હતું. પરંતુ અહીંયા કામ કરતા મજૂરો મોડા આવતા આ ઘટનામાં તેમનો બચાવ થયો હતો.
વરસાદી પાણી ભરાતા દીવાલ ધરાશાયી થયાનુ અનુમાન: દીવાલ ધરાશાયી થતા લોકોમાં વરસાદી પાણી ભરાવાના કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાનું અનુમાંન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ આ દીવાલથી જોડાયેલી દીવાલ ધરાશાયી ન થાય તે માટે પગલાં લેવા જરૂરી છે અને આ દીવાલ ધરાશાયી થવાના કારણે જે કોઈ નુકશાન થયું હોય તેનો સર્વે કરવો જરૂરી છે. કારણકે ભાદરવી પુનમમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.