સુરત : ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા વિવાદ બાદ હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ તકેદારી લઈ રહી છે. યુનિવર્સિટી કેમ્પસ અને ખાસ કરીને કે જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે ત્યાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. આ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં લગાડવામાં આવેલા 1100 CCTV કેમેરા થકી પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
અનિચ્છનીય બનાવ રોકવા તકેદારી : ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં બનેલી વિદેશી વિદ્યાર્થીઓ સાથેની ઘટનાના પડઘા હવે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ પડ્યા છે. આવી કોઈ પણ ઘટના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ન બને આ માટે પોલીસ સિવિલ યુનિફોર્મમાં પેટ્રોલિંગ કરી રહી છે. હાલ પરીક્ષાનો માહોલ હોવાના કારણે CCTV કેમેરાના માધ્યમથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ : અત્રે ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી વધારે અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ છે. કુલ 53 વિદેશી વિદ્યાર્થીઓમાંથી 38 અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના 2 વિદ્યાર્થીઓ સામેલ છે.
સિવિલ ડ્રેસમાં પોલીસ પેટ્રોલિંગ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ખાસ કરીને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ પરીક્ષા ચાલી રહી છે જેના કારણે તમામ તકેદારીઓ લેવામાં આવે છે. 50થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. કોઈપણ અપ્રિય ઘટના ન બને આ માટે હોસ્ટેલ અને યુનિવર્સિટી પરિસરમાં સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ સાથે વિદેશી વિદ્યાર્થીઓના વ્હોટ્સએપ ગ્રુપમાં પણ સૂચનાઓ આપવામાં આવી છે.