રાજકોટઃ સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વિરપુર ખાતે આવેલ વિરપુર, કાગવડ, થોરાળા એમ 3 ગામના ખેડૂતો માટેની વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ છે. આ મંડળીમાં પ્રમુખ તરીકે ગોરધન ધામેલીયા અને ઉપપ્રમુખ તરીકે જનક ડોબરીયાની નિયુક્તિ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગોરધન ધામેલીયા છેલ્લા 31 વર્ષથી વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યરત છે.
1500થી વધુ ખેડૂત સભાસદોઃ વીરપુર જૂથ સેવા સહકારી મંડળીના કાર્યક્ષેત્રમાં વિરપુર, કાગવડ તથા થોરાળા ગામના અંદાજે 1500થી પણ વધારે ખેડૂત સભાસદો મંડળી સાથે જોડાયેલા છે. જેમાં મંડળીનો વાર્ષિક નફો તારીખ 31-03-2024 સુધીનો રૂ. 40/- લાખ થયેલ છે. આ મંડળી તરફથી ખેડૂત સભાસદોને છેલ્લા 10 વર્ષ થી 15% મુજબ ડીવીડન્ટની રકમ ચૂકવામાં આવે છે. જેની અંદાજીત રકમ રૂ. 12/- લાખ થાય છે. આ ઉપરાંત મંડળી તરફથી ધિરાણ મેળવતા સભાસદોનો રૂ. 12/- લાખનો અકસ્માત વીમો લેવામાં આવેલ છે જેનું વીમા પ્રીમીયમ મંડળી દવારા ચૂકવામાં આવે છે. જેની રકમ રૂ. 4/- લાખ જેવી છે. મંડળી તરફથી ચાલુ વર્ષ દરમિયાન પ્રતિ સભાસદને બે નંગ આમ કુલ 3000 નંગ ખુરશીઓ ભેટ તરીકે આપવામાં આવેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 10/- લાખ છે.
કુલ 25000 રુપિયા જેટલી મેડિકલ સહાયઃ આ મંડળીના સભાસદનું કુદરતી રીતે અવસાન થાય તેવા સંજોગોમાં પણ મરણ પામનાર સભાસદના વારસદાર ને સહાયરૂપ થવા રૂ. 10,000/- મંડળી તરફથી ચૂકવામાં આવે છે. મંડળીમાંથી ધિરાણ મેળવતા સભાસદોને ઓપરેશન સારવાર અર્થે રૂ. 10,000/- ની સહાય મંડળી દવારા ચૂકવામાં આવે છે. તદઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીક બેંક તરફથી મળતી વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય રકમ રૂ.15,000/- નો લાભ પણ આપવામાં આવે છે. આમ ખેડૂત સભાસદને કુલ રૂ. 25,000/- જેવી મેડીકલ સહાય રકમ મળે છે.
હૃદયપૂર્વક આભાર માન્યોઃ વિરપુર જૂથ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે બિનહરીફ ચુંટાવા બદલ ગોરધન ધામેલીયાએ જેતપુર જામ કંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, મંડળીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ, તાલુકા-જિલ્લાના આગેવાનો તેમજ મંડળી સાથે જોડાયેલા કાગવડ, થોરાળા તથા વિરપુર ગામના ખેડૂત સભાસદોનો હૃદય પૂર્વક આભાર માન્યો છે.