મહીસાગર : પરષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમાજ હવે રસ્તા પર ઊતરી આવ્યો છે. રાજકોટની સ્થાનિક કોર્ટમાં પરસોતમ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ પણ કરવામાં આવી છે. કેટલાક જિલ્લામાં પૂતળાનું દહન અને ઘણા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કચેરીમાં આવેદન આપવામાં આવ્યા છે.
પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ : રાજપૂત સમાજના આગેવાનો હવે ભાજપ સમક્ષ પરસોતમ રૂપાલાને ઉમેદવાર પદ પરથી હટાવવાની માંગ કરી રહ્યા છે. જેને લઈને આજે મહિસાગરમાં ક્ષત્રિય સમાજ બાલાસિનોર દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મહીસાગર જિલ્લામાં વિરોધ પ્રદર્શન : મહીસાગર જિલ્લા યુવા ક્ષત્રિય સેના પ્રમુખ હિતેન્દ્રસિંહએ આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણી સભામાં કહ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજો સામે નમી ગયા, રોટી-બોટીનો વ્યવહાર કર્યો અને દુશ્મનો સામે ક્ષત્રિયોની તલવાર પણ કામ ના આવી. દેશના મહાન શૂરવીર યોદ્ધા અને પ્રજા વત્સલ રાજાઓ માટે અપમાનજનક ભાષાથી ક્ષત્રિયો અને અનેક રાષ્ટ્રપ્રેમી લોકોની લાગણી દુભાઈ છે.
ક્ષત્રિય સમાજની ચેતવણી : મહીસાગર યુવા ક્ષત્રિય સેનાના અગ્રણીએ જણાવ્યું કે, જે સમાજના રાજા-મહારાજાઓએ ધર્મ, દેશ, નારી, ગૌરક્ષા, મંદિર સામાન્ય વ્યક્તિના ન્યાય કે પછી અબોલ જીવની રક્ષા માટે હસતાં હસતાં એક પછી એક અનેક પેઢીઓ ભારતની ધરતીમાં હોમી દીધી. માત્ર રાજાઓ જ નહીં પણ તેમની વિરાંગના રાણીઓ પણ સ્વમાન ખાતર સળગતી આગમાં હોમાઈ ગઈ, આવી વિરાંગના રાણીઓનો ઇતિહાસ જાણ્યા વગર નેતાઓ તેમનું અપમાન કરે એ જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.
રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા જે અન્ય સમાજની મિટિંગમાં જઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે, એ યોગ્ય નથી. અમે એટલા માટે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ભાજપ સરકાર આ ટિકિટ રદ કરો, નહીં તો ઓલ ઓવર ભારત દેશના ક્ષત્રિયો તેના વિરુદ્ધ મતદાન કરશે. -- હિતેન્દ્રસિંહ (પ્રમુખ, યુવા ક્ષત્રિય સેના-મહીસાગર)
અપમાનજનક ટિપ્પણી : તેઓએ વધુમાં જણાવ્યું કે, એક ચૂંટણી જીતવા માટે ગમે તે સમાજને અપમાનજનક રીતે ઉતારી પાડવો એ જરા પણ યોગ્ય નથી. સમાજ, ધર્મ, સંસ્કૃતિ કે શાંતિનું અપમાન જરા પણ સહન ન કરવું એ આપણી વર્તમાન સરકાર શીખવાડે છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ હાલમાં જ રાહુલ ગાંધી દ્વારા મોદી શબ્દ પર થયેલી ટિપ્પણીથી તેમનું સભ્ય પદ છીનવાયું હતું. માત્ર મોદી શબ્દ પર થયેલી ટિપ્પણીથી વડાપ્રધાન કક્ષાના સાંસદનું સભ્યપદ રદ થઈ શકતું હોય, તો પછી આ તો ઇતિહાસની લાજ ઉતારી કહેવાય.
ક્ષત્રિય સમાજની માંગ : પુરષોત્તમ રૂપાલાનું ઉમેદવારી પદ રદ થાય તેવી હાલ પૂરતી માંગ છે. પણ જો પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી ના થાય તો કાયદો અને વ્યવસ્થા અમારા તરફથી પણ જળવાશે નહીં. બાકી તો ક્ષત્રિયોનો ઇતિહાસ સમગ્ર વિશ્વ જાણે છે. જો ક્ષત્રિયો પ્રજાકલ્યાણ માટે માથા આપી શકતા હોય તો માં-બેટી માટે કોઈના માથાં લઈ પણ શકે છે.