મોરબી : કચ્છ મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા જીતની આશા સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે મોરબી શહેરમાં તેમણે રેલી યોજી હતી. આ રેલી ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરુ થઈને જીઆઈડીસીથી નવા બસ સ્ટેન્ડ, સરદાર બાગ, રામચોક, ખોજાખાના શેરી, જુનું બસ સ્ટેન્ડ, નવાડેલા રોડ, વિજય ટોકીઝ, ગાંધીચોક, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણબાગ, નહેરુગેટ, ગ્રીન ચોક અને દરબાર ગઢ સુધીના માર્ગે યોજાઈ હતી. રેલીના રુટ દરમિયાન મુખ્ય ચોક પર વિવિધ સમાજ અને એસોસિએશનના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
કોણ કોણ રેલીમાં જોવા મળ્યું : વિનોદ ચાવડાની જંગી રેલીમાં ધારસભ્ય કાંતિ અમૃતિયા સહિતના મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતાં, તો મોટી સંખ્યામાં કારનો કાફલો જોવા મળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિનોદ ચાવડાનો રોડ શો યોજાયો હતો.
15000 કિમીનો પ્રવાસ પ્રચાર દરમિયાન કર્યો : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિનોદ ચાવડાની રેલી યોજવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી સહિતના 150થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. રેલી દરમિયાન વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે પોણા બે મહિનાથી સતત કચ્છ મોરબી લોકસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે 500થી વધારે ગામડાઓ, 500થી વધારે કાર્યક્રમો-સભાઓ, 500થી વધુ મંદિરો તેમજ 15000 કિંમીનો પ્રવાસ પ્રચાર દરમિયાન કર્યો છે. આજે મોરબીમાં વિશાળ રેલી યોજવામાં આવી છે ત્યારે મોરબીની જનતાને 7 તારીખે અચૂક મતદાન કરવા માટે અપીલ કરી છે.