જુનાગઢ: પાછલા 40 વર્ષથી વિજયાદશમીના દિવસે કોડીનાર શહેરમાં જંગલેશ્વર મંદિર નજીક મોટી સંખ્યામાં લોકો હાજરીની વચ્ચે રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. આજે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હજારોની સંખ્યામાં લોકોએ રાવણ દહનના કાર્યક્રમને નજર સમક્ષ નિહાળીને વિજયાદશમીના તહેવારની ઉજવણી કરી હતી.
કોડીનારમાં થયું રાવણ દહન
પાછલા 40 વર્ષથી કોડીનાર શહેરમાં દશેરાના દિવસે વિજયા દશમીના પાવન પર્વની ઉજવણી રાવણ દહનના કાર્યક્રમ સાથે પૂર્ણ થતી હોય છે. 1982 માં પ્રથમ વખત કોડીનાર ખાતે રાવણ દહન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ દર વર્ષે રાવણ દહન કાર્યક્રમનું આયોજન થાય છે. કાર્યક્રમમાં 62 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. જે સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું પૂતળું પણ માનવામાં આવે છે. ફટાકડાઓની આતસબાજીની વચ્ચે રાવણ દહન કરીને લોકોએ વિજયાદશમીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી.
વિજયા દશમી મહોત્સવ સમિતિનું આયોજન
કોડીનારમાં દર વર્ષે વિજયા દશમીના દિવસે વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા રાવણ દહનના કાર્યક્રમ કરાય છે. જેમાં બપોરે ચાર કલાકે જંગલેશ્વર મંદિરથી વિવિધ ફ્લોટ સાથે ભગવાન રામની શોભા યાત્રા કાઢવામાં આવે છે. જેમાં રામની સાથે લક્ષ્મણજી હનુમાનજી મહાદેવ રાણી લક્ષ્મીબાઈ સહિતના વિવિધ દેવી-દેવતાઓના પાત્રોને શોભાયાત્રામાં સામેલ કરવામાં આવે છે. આ શોભાયાત્રા ચાર કલાકના સમય સુધી શહેરના વિવિધ ભાગોમાં ફરીને સાંજના આઠ વાગ્યાની આસપાસ સીંગવડા નદીના પટાંગણમાં પહોંચે છે. જ્યાં ભવ્ય આતસબાજી બાદ આઠ વાગ્યે અને 20 મિનિટે રાવણનું દહન કરવામાં આવે છે. આજના રાવણ દહન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને વિજયા દશમીનો તહેવાર મનાવ્યો હતો.