અમદાવાદ : લોકસભા વિપક્ષનેતા અને કોંગ્રેસ સાંસદ 6 જુલાઈ, શનિવારે અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તાજેતરમાં રાહુલ ગાંધીના એક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. જે બાદ અમદાવાદના પાલડી સ્થિત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હુમલો થયાની ઘટના બની હતી. જેમાં કેટલાક કોંગ્રેસ કાર્યકર્તા ઘવાયા હતા, સાથે જ ત્યારબાદના વિરોધના પગલે કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યકરો અને તેમના પરિવારની મુલાકાતે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા.
પીડિત પરિવાર સાથે મુલાકાત : આ સાથે જ ગુજરાતમાં ચકચાર મચાવનાર રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પણ રાહુલ ગાંધીએ મુલાકાત કરી હતી. આ તકે ગુજરાતમાં બનેલી કેટલીક દુઃખદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જે ન્યાય માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. આવા પીડિત પરિવાર હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટીના માધ્યમથી કેન્દ્રમાં પોતાની રજૂઆત પહોંચાડી અને ન્યાયની માંગ કરી રહ્યા છે.
દિકરી ગુમાવનાર પિતાની વેદના : આવા જ કેટલાક પીડિત પરિવારોએ ETV Bharat ના માધ્યમથી પોતાની પીડા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. "હું સાડા પાંચ મહિનાથી સુતો નથી, જીવ છે ત્યાં સુધી લડત લડીશ" આ શબ્દો એક દુર્ઘટનામાં પોતાની બાળકીને ગુમાવનાર એક પિતાના છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આવા બનાવોમાં સરકાર માત્ર સહાય રાશિ આપીને પોતાની ફરજ પૂરી કરે છે. અમારે રૂપિયા નહીં, ન્યાય જોઈએ છે.
મૃતકની માતાનો સરકારને સવાલ : રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાંં જીવ ગુમાવનાર યુવકની માતાએ પણ સરકારને એક જ સવાલ કર્યો, મારો પુત્ર પાછો આપશો ? આ મહિલાએ વધુમાં જણાવ્યું કે, શું ચાર લાખની સહાય મારા જીવનના આધાર સમાન મારા પુત્રના બદલે પૂરતા છે. છેલ્લા ચાર વર્ષથી આ જગ્યા ચાલતી હતી, આ સરકારની બેદરકારી છે. તંત્રમાંથી કોઈ હજુ અમારી સ્થિતિ પૂછવા નથી આવ્યું, તો ન્યાયની આશા શું કરીએ ?