જૂનાગઢ: સોરઠ પંથકનો કાટીયા વર્ણ પોતાના પારંપરિક આભૂષણો અને વેશભૂષાને કારણે આજે તેમની જ્ઞાતિની સાથે તેમની વિશેષ અને અલગ ઓળખ ઊભી કરી છે. સોરઠ પંથકમાં ચારણ, ભરવાડ, રબારી, આહીર, મેર, ગઢવી, બારોટ અને કોળી જ્ઞાતિની મહિલાઓ અને પુરુષો તેમના દ્વારા ધારણ કરેલા આભૂષણો અને પહેરવેશને કારણે અલગ તરી આવે છે. સોરઠનો આ વિશેષ પહેરવેશ અને આભૂષણની પરંપરા આજે પણ અલગ અલગ જ્ઞાતિની વિશેષ ઓળખ બની રહી છે.
કાટીયા વર્ણનો પહેરવેશ અને આભૂષણ: સોરઠ પંથકમાં આજે આહિર, ભરવાડ, મેર, ચારણ, ગઢવી, રબારી, બારોટ અને કોળી જ્ઞાતિ કાટિયા વર્ણ તરીકે ઓળખાય છે. પણ સૌરાષ્ટ્રનો એક તળપદી ભાષાનો અલગ શબ્દ છે. જે સૌરાષ્ટ્રની ઓળખ પણ બની ગયો છે. કાટિયા વર્ણમાં પહેરવેશ અને આભૂષણોને લઈને પણ વિશેષતા જોવા મળે છે. મોટાભાગના આભૂષણો અને પહેરવેશ પ્રથમ નજરે જોતા એક સમાન જોવા મળે છે. પરંતુ તેના નામ ડિઝાઇન અને પહેરવાના સમયને લઈને તે એકબીજાથી અલગ તરી આવે છે.
આહીર, મેર, રબારી, ભરવાડ, ચારણ સમાજના મહિલા અને પુરુષો આજે પણ તેમના પરંપરાગત વેશ પરિધાન અને આભૂષણો થકી એક વિશેષ અને અલગ ઓળખ ઊભી કરી છે. તે આજે પણ અકબંધ જોવા મળે છે અને તેના થકી જ આ જ્ઞાતિઓની વિશેષ ઓળખ પણ થતી હોય છે. સોરઠમાં રાજા રજવાડાઓના સમયમાં કોઈપણ જ્ઞાતિના પહેરવેશ અને તેના આભૂષણોને લઈને જે તે વ્યક્તિની સામાજિક ઓળખ થતી હતી.
![સોરઠના કાટીયા વર્ણના પરંપરાગત પોશાકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2024/gj-jnd-02-poshak-vis-01-byte-01-pkg-7200745_13102024093625_1310f_1728792385_893.jpg)
મેર, રબારી, આહીર અને ભરવાડનો પહેરવેશ: સૌરાષ્ટ્રના કાટીયા વર્ણ તરીકે ઓળખાતી મેર, આહીર, રબારી, ચારણ, ગઢવી સમાજના મહિલા અને પુરુષો પોતાના અલગ વેશ પરિધાનથી અલગ પડે છે, મેર સમાજના પુરુષો ચોરણી, કેડિયું ,ખેસ, પાઘડી અને ભેટ જેવા પરિધાનો ધારણ કરે છે જેને કારણે પણ તે અલગ તરી આવે છે, મેર સમાજની મહિલાઓના ઘરેણા પણ અન્ય સમાજ કરતા અલગ જોવા મળે છે. જેમાં વેઢલા, જુમણુ, કાઠલી, કાંડીયુ ખાસ વિશેષ આકર્ષણ ઊભો કરે છે. મેર સમાજની પરિણીત મહિલા લાલ કલરનું ઢારવું ધારણ કરે છે, કુવારી મહિલા સફેદ કલરનું ધાસીયું ધારણ કરે છે જેથી આ મહિલા પરિણીત છે કે અપરણીત તેની પણ ઓળખ થાય છે.
![સોરઠના કાટીયા વર્ણના પરંપરાગત પોશાકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2024/gj-jnd-02-poshak-vis-01-byte-01-pkg-7200745_13102024093625_1310f_1728792385_455.jpg)
આહિર અને ચારણ સમાજની વિશેષ ઓળખ: મેરની જેમ આહીર અને ચારણ સમાજની મહિલા અને પુરુષો પણ અલગ દેખાઇ આવે છે. આહીર સમાજની મહિલા નવખંડી ઓઢણું ધારણ કરે છે. તેની સાથે જીમી અને કાપડું અલગ દેખાય આવે છે, જેમાં ચાંદીના તારને વણીને વિશેષ પ્રકારે કપડું તૈયાર થતું હોય છે. જેમાં હાથી, સાથીયા, કળશ અને કેરી જેવી ડિઝાઇનો એકદમ અદભુત રીતે જરી અને અન્ય રેશમના દોરાથી બનાવવામાં આવતી હોય છે. પુરુષો ચોરણી કેડિયું અને આંટી વાળી પાઘડી પહેરે છે. આહીર સમાજની પેટા જ્ઞાતિઓમાં પાઘડીનો પ્રકાર અલગ અલગ હોય છે. જેથી તે આહિર સમાજની કઈ પેટા જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેનાથી તેનો વિશેષ ખ્યાલ મળી આવે છે.
![સોરઠના કાટીયા વર્ણના પરંપરાગત પોશાકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2024/gj-jnd-02-poshak-vis-01-byte-01-pkg-7200745_13102024093625_1310f_1728792385_1022.jpg)
રબારી અને ભરવાડ સમાજની પણ અલગ ઓળખ: રબારી અને ભરવાડ સમાજની પણ એક અલગ ઓળખ સોરઠ પંથકમાં ઊભી થાય છે. રબારી સમાજના પુરુષો ખમીસ, બંડી ઘેરવાળું કેડિયું શરીર પર ધારણ કરે છે. તેઓ માથા પર અચૂકપણે ફારીયામાંથી બનાવેલી પાઘડી પહેરતા હોય છે. તેમજ મહિલા લીલું ઓઢણુંને ધારણ કરીને રબારી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેવી જ રીતે ભરવાડ સમાજની મહિલાઓ પણ લીલું ઓઢણું ધારણ કરે છે. જેમાં અલગ અલગ ડિઝાઇન જોવા મળે છે. કુંવારી દીકરીઓના ઘાઘરામાં વિશેષ ડિઝાઇન બનાવવામાં આવે છે. જેના થકી તે પહેરનારા યુવતી કે દીકરી અપરણીત છે તેનાથી જાણવા મળે છે. ભરવાડ સમાજની દીકરીઓ અને મહિલાઓ જે જીમી પહેરે છે. તેમાં પણ અલગ ડિઝાઇન બનાવવામાં આવે છે.
![સોરઠના કાટીયા વર્ણના પરંપરાગત પોશાકો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2024/gj-jnd-02-poshak-vis-01-byte-01-pkg-7200745_13102024093625_1310f_1728792385_853.jpg)
પ્રૌઢ મહિલાની પણ વિશેષ અને અલગ ઓળખ: પૌઢ મહિલાઓ જીમી ધારણ કરે છે. આ જીમીમાં ખડી જોવા મળે છે તેના કારણે તે સ્ત્રી પ્રૌઢ છે તેમ જાણવા મળે છે. અને આ પરિધાનમાં રાધાકૃષ્ણ, મોર,પોપટ, હાથીની ડિઝાઇન જોવા મળે છે. ત્યારે યુવાન સ્ત્રીઓ પોતાના પહેરવેશમાં હાથી, મોર, પોપટ જેવી ડિઝાઇનો ઉપસાવવામાં આવે છે. સામાન્ય રીતે સોરઠ પંથકના કાટીયો વર્ણ તરીકે ઓળખાતા આહિર, ભરવાડ, મેર, ચારણ, ગઢવી, રબારી, બારોટ અને કોળી જેવી જ્ઞાતિઓ પ્રકૃતિના વિવિધ ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે. તેને ઉજાગર કરવા માટે તેમના પહેરવેશમાં પ્રકૃતિને લગતા ચિન્હો પણ બનાવવામાં આવતા હોય છે. આવી અનેક ઓળખો સૌરાષ્ટ્રના કાટીયા વર્ણને આજે પણ પરંપરાગત રીતે વસ્ત્ર પરિધાન અને આભૂષણોની વિશેષ ઓળખાળાણ થકી અલગ પાડે છે.
આ પણ વાંચો: