નવસારી : વર્તમાન સમયમાં સેલિબ્રિટી બનવાની ઘેલછામાં સોશિયલ મીડિયા ઉપર રિલ્સ બનાવી પ્રસિદ્ધ થવા માટે યુવા પેઢી અનેક પ્રકારના ગતકડાં કરતા હોય છે. જેમાં ક્યારેક અતિ ઉત્સાહમાં આવી જઈ કાયદો પણ હાથમાં લઈ લેતા હોય છે. આવો જ કંઈક કિસ્સો વલસાડ જિલ્લાના ડુંગરી નજીક આવેલા જોરાવાસણ વિસ્તારમાં બન્યો હતો.
તલવાર વડે કેક કાપી : જોરાવાસણ મંદિર ફળિયામાં રહેતા ત્રીપેશકુમાર ઉર્ફે માયા રમેશભાઈ પટેલનો ગત 29 જુલાઇના રોજ જન્મદિવસ હતો. જે નિમિત્તે રાત્રિ દરમિયાન તેમના મિત્રોએ 7 થી 8 જેટલી કેક મંગાવી અને તેને કાપવા માટે ટેબલ ઉપર મૂકી હતી. બર્થ-ડે બોય દ્વારા તલવાર વડે કેક કાપવામાં આવી હતી અને તેમના જ કોઈ મિત્રએ આ સમગ્ર બાબતનો વિડીયો બનાવ્યો હતો. જોકે, આ વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભૂલ કરી હતી.
પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો : ત્રીપેશકુમાર ઉર્ફે માયા પટેલ જાહેર જગ્યા પર હાથમાં તલવાર પકડી ભય ફેલાઈ એ રીતે કેક કાપી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અંગે પોલીસ સતર્ક બની અને ડુંગરી પોલીસે ગણતરીના સમયમાં ત્રીપેશ ઉર્ફે માયા પટેલની અટકાયત કરી હતી. પોલીસે સમગ્ર બાબતની હકીકત સમજાવતા આખરે આ યુવાન બે હાથ જોડી પોતાની ભૂલ સ્વીકારી માફી માંગતો જોવા મળ્યો હતો.
પોલીસ કાર્યવાહી : ડુંગરી નજીક આવેલા જોરાવાસણમાં એક યુવાને જન્મદિન નિમિત્તે જાહેર જગ્યા પર તલવાર વડે કેક કાપી હતી. તેનો વિડીયો તેના જ કોઈ મિત્ર વર્તુળમાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ ગયો હતા. આ વિડીયો પોલીસના ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં ઉપયોગમાં લેવામાં આવેલી તલવાર પણ પોલીસે કબજે લીધી છે.
જાહેર જનતાને પોલીસની અપીલ : જિલ્લા પોલીસે વલસાડની જનતાને અપીલ કરી છે કે, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયામાં કાયદાનો ભંગ થાય એ રીતે કોઈપણ પ્રકારનો વિડીયો અપલોડ કરવો નહીં. પોલીસ સહેજ પણ શરમ રાખ્યા વિના એવા ઈસમો સામે કાયદાકીય કાર્યવાહી કરતા ખચકાશે નહીં. વલસાડ જિલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર બાજ નજર રાખી હોવાનું પણ પોલીસે જણાવ્યું છે.