વલસાડઃ ઉમરગામ તાલુકામાં 2 પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી લીધા બાદ એન્ટી કરાપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળતા મેળવી છે. જેમાં ACBની ટીમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) ઉમરગામના નાયબ કાર્યપાલક ઈજનેરના નામે 12,300ની લાંચ માંગનાર ઈલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાને ઝડપી પાડ્યો છે.
વીજ મીટરના કનેક્શન માટે માંગી લાંચઃ લાંચના આ ગુનાની ACB એ આપેલી વિગત મુજબ એક ફરીયાદીએ તેઓનાં પ્લોટમાં 2 વર્ષ માટે કામ ચલાવ વીજ મીટરનું કનેશન લેવાનું હતું. જે માટે તે DGVCLની કચેરી, ઉમરગામ ખાતે ઓન લાઈન અરજી કરવા માટે ગયા હતાં. જ્યાં ઇલેક્ટ્રિક કોન્ટ્રકટર દિનેશભાઇ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઈ કરાંચીવાલાએ તેઓની અરજી ઓન લાઈન કરવા માટે કાયદેસરનું કોટેશન/ફી રૂા. 22,690/- ની થતી હોય, તે ફી તથા તે સિવાયના DGVCL ઉમરગામનાં નાયબ કાર્યપાલક ઈજનેરના નામે રૂા. 12,300/- ની લાંચની માંગણી કરી હતી.
ACBની સફળ ટ્રેપઃ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ ફરીયાદ આઘારે વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને ટ્રેપીંગ અધિકારી એસ. એન. ગોહિલે ACB સુરતના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપર વિઝનમાં સ્ટાફ સાથે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપીએ નિયત સ્થળે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 12,300 સ્વીકાર્યા હતાં. આ ક્ષણે જ ACBની ટીમે આરોપીને સ્થળ પર જ ઝડપી લીધો હતો.