વલસાડઃ કપરાડા તાલુકામાં આવેલા કુંભ ઘાટમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યા વધી ગઈ છે. તેમજ અનેક વાહનો માર્ગમાં જ ખોટકાઈ જતા હોવાથી આ માર્ગે ટ્રાફિક જામની ઘટના અવારનવાર બની રહે છે. આજે આ માર્ગે 2 ટ્રક ખોટકાઈ જતાં 5 કિમી લાંબો ટ્રાફિક જામ થયો હતો. અસંખ્ય વાહનો કલાકો સુધી ટ્રાફિક જામનો ભોગ બન્યા હતા.
બે ટ્રક ખોટકાતા હેવી ટ્રાફિક જામઃ કપરાડાના કુંભ ઘાટમાં રોડની બંને તરફ ઢાળ ઉતરતી વખતે 2 ટ્રક ખોટકાઈ ગઈ હતી. જેના કારણે માત્ર સિંગલ વે ટ્રાફિક ચાલી શકતો હતો. તેથી અનેક ભારે વાહનોની લાંબી કતારો આજે જોવા મળી હતી. સતત 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ કપરાડા માર્ગ ઉપર જોવા મળ્યો હતો. સતત 1 કલાકથી પણ વધુ સમયથી વાહનચાલકો ગરમીમાં શેકાયા હતા.
મહારાષ્ટ્ર-ગુજરાતને જોડતો મુખ્ય માર્ગઃ ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતો મુખ્ય માર્ગ એટલે કપરાડાનો કુંભ ઘાટ. આ માર્ગથી નાસિક તરફ જતા હાઈવે નંબર 848 પરથી મહારાષ્ટ્રમાં દાખલ થઈ શકાય છે. આ માર્ગ પરથી અસંખ્ય નાના તેમજ ભારે વાહનો પસાર થતા હોય છે. જ્યારે અહીં વાહન ખોટકાય છે ત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળે છે.
સર્પાકાર અને જોખમી ઘાટઃ નાનાપોઢાથી કપરાડા તરફ જતો અને નાસિકને જોડતો મુખ્ય માર્ગ માંડવા ફાટકથી કુંભ ઘાટ સુધી સર્પાકાર અને જોખમી છે. રાત્રે પૂરપાટ ઝડપે આવતા અનેક વાહન ચાલકો સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા હોય છે. અનેક અકસ્માતો સર્જાવાને કારણે અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. મોટાભાગે આ માર્ગ પર ભારે ટ્રક, કન્ટેનર અને વાહનો પસાર થતા હોય છે. જે ઘાટ ઉતરતી વેળાએ ખૂબ સાવચેતીપૂર્વક બ્રેક મારતા મારતા ગાડી ઉતારતા હોય છે પરંતુ ઘાટનો ઢાળ અત્યંત ઢોળાવ વાળો હોવાને કારણે અનેક વાહનો પૂરપાટ ઝડપે નીચે ઉતરે છે. વાહનની ગતિ એટલે તીવ્ર હોય છે કે બ્રેક લાઈનર્સ ગરમ થઈ ચોંટી જતા હોય છે તેમજ બ્રેક લાઈનર્સમાંથી ધૂમાડા પણ નીકળતા જોવા મળે છે.
સ્થાનિકોની માંગઃ મહારાષ્ટ્રને ગુજરાતને જોડતા આ મુખ્ય માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે. જેથી વાહન ચાલકો ઉપરાંત સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોની માંગ છે કે બ્રેક ડાઉન થતા વાહનોને લઈ જવા માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તેમજ ટ્રાફિકજામ ન સર્જાય તે માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરાય.