વલસાડ : મેઘરાજાએ વલસાડ જિલ્લામાં જળબંબાકાર સર્જ્યો છે. વલસાડના તમામ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, નદીનાળા ઉભરાયા છે, રોડ-રસ્તા બંધ થયા છે. ઔરંગા નદીએ તોફાની સ્વરૂપ ધારણ કરતા વલસાડ શહેરના બરૂડિયા વાળ વિસ્તારમાંથી 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.
સાર્વત્રિક વરસાદી આંકડા : છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સૌથી વધુ 13 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 8 ઇંચ, ધરમપુર તાલુકામાં 9 ઇંચ, પારડી તાલુકામાં 12 ઇંચ, ઉમરગામ તાલુકામાં 7 ઇંચ અને વાપી તાલુકામાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નદીઓના રૌદ્ર સ્વરૂપ : વલસાડ જિલ્લાની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી વહેતી દમણગંગા, ઔરંગા નદી, પાર નદી, કોલક નદી, માન નદી અને તાન નદી સહિત તમામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. ઔરંગા નદી તેની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેને પગલે વલસાડના કેટલાક નીચાણવાળા ક્ષેત્રમાં વરસાદી પાણી ભરાયા છે.
150 લોકોનું સ્થળાંતર : વલસાડ શહેર નજીકથી પસાર થતી ઓરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઘોડાપૂર આવ્યા છે. જેને પગલે નદીની નજીકના વિસ્તારમાં નીચાણવાળા ક્ષેત્રમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. બરૂડિયા વાળ વિસ્તારમાં આવેલા કેટલાક ઘરોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં રહેતા 150 થી વધુ લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા હતા.
વહીવટી તંત્ર સતર્ક : વલસાડ શહેરના અનેક નીચાણવાળા ક્ષેત્રોમાં કોઈ ખાના-ખરાબી અને જાનહાની ન બને તે માટે વહીવટી તંત્રની ટીમ સતર્ક બની છે. મામલતદાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને NDRF સહિતની ટીમો વિવિધ સ્થળો ઉપર નજર રાખીને બેઠા છે. તેમજ વહેતા પાણીમાં કોઈ તણાઈ ન જાય તે માટે પણ તકેદારી રાખવામાં આવી રહી છે.
બચાવ કામગીરી : મોડી રાતથી ઔરંગા નદીનું જળસ્તર વધતા વહીવટી તંત્ર દ્વારા ફાયરના વાહનનો સાયરન વગાડી નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તેમજ વહેલી સવારે પાણીનું લેવલ વધતા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. લગભગ છ પરિવારના 150 થી વધુ સભ્યોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મોટાપોંઢા ગામે ટેમ્પો તણાયો : કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામેથી ઓમ કચ્છ તરફ જતા નદીના લો લેવલ બ્રિજ પરથી વરસાદી પાણી વહી રહ્યા હતા. અહીંથી પસાર થતો બંધ બોડીનો આઇસર ટેમ્પો પાણીના વહેણમાં તણાઈ ગયો હતો. જોકે, આ ઘટનામાં ચાલકને બચાવી લેવાયો છે
116 રસ્તાઓ બંધ : ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારના વિવિધ ગામોમાંથી વહેતી નદી-નાળાઓ પર બનેલા લો લેવલ બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પંચાયત હસ્તક આવતા કુલ 113 જેટલા રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલ બંધ કરી દેવામાં આવ્યો છે. અનેક જગ્યા પર ગામો અને ફળિયાના સંપર્કો કપાયા છે. જોકે પાણી ઉતર્યા બાદ ફરીથી આ રોડ-રસ્તા રાબેતા મુજબ વાહન વ્યવહાર માટે શરૂ થશે.
નીચાણવાળા ક્ષેત્રો જળબંબાકાર : વલસાડ શહેરના ઓરંગા નદીની નજીકના નીચાણવાળા ક્ષેત્રો દાણા બજાર, પારડી, સાંઢપુર, બરૂડિયા વાળ, મોગરાવાડી રેલવે ગરનાળા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહારને સીધી અસર પહોંચી છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.