રાજકોટ : આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે યુવક-યુવતી પોતાના પ્રેમની લાગણી એકબીજા સમક્ષ વ્યક્ત કરતા હોય છે. પ્રેમના પ્રતિક સમા વેલેન્ટાઈન ડે નિમિત્તે રાજકોટના એક દંપતીની ખાસ વાત કરવી છે. આ બંને વ્યક્તિ જન્મથી જ થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. હાલમાં જ બંનેએ રાજકોટ ખાતે લગ્ન કરી અને એકબીજા સાથે જીવનભર રહેવાનું વચન લીધું હતું. આ દંપતી ક્યારે એકબીજાના પરિચયમાં આવ્યા અને કેવી રીતે જીવનભર સાથે રહેવાનો નિર્ણય કર્યો, જુઓ ETV Bharat ના વિશેષ અહેવાલમાં...
રાજકોટના થેલેસેમિયાગ્રસ્ત દંપતી : આ અંગે થેલેસેમિયાગ્રસ્ત દુર્ગેશ ગંગેરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જન્મથી જ થેલેસેમિયાથી પીડિત છું. તેમજ મારી ઉંમર હાલ 27 વર્ષની છે. હું જન્મ્યો ત્યારથી જ મારે દર 15 થી 20 દિવસે લોહી ચડાવવું પડે છે. આવી જ રીતે મારી પત્ની મંગલ સાવંતની ઉંમર પણ 26 વર્ષની છે. તેમને પણ મારા જેવી જ પરિસ્થિતિ છે અને દર 15 થી 20 દિવસે લોહી ચડાવવું પડે છે.
હું અને મારી પત્ની મંગલ જન્મથી જ થેલેસેમિયાથી પીડિત છીએ. હાલ મારી ઉંમર હાલ 27 અને પત્નીની ઉંમર 26 વર્ષ છે. અમારે દર 15 થી 20 દિવસે લોહી ચડાવવું પડે છે. ખુદ થેલેસેમિયાગ્રસ્ત હોવાથી થેલેસેમિયાગ્રસ્ત લોકોની પીડા સમજીએ છીએ, હવે સાથે મળીને થેલેસેમિયાગ્રસ્ત લોકોની સેવામાં જીવન સમર્પિત કરીશું. -- દુર્ગેશે ગંગેરા
પ્રેરણારુપ લગ્નનો કિસ્સો : દુર્ગેશે ગંગેરાએ વધુમાં જણાવ્યું કે, અમે બંનેએ 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ રાજકોટના મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિસાન સોસાયટીમાં જનરલ સ્ટોરની દુકાન ચલાવીએ છે. હાલમાં મારા પત્ની હાઉસવાઈફ છે, પરંતુ ભવિષ્યમાં અમે બંને સાથે મળીને કામ કરી શકીએ તેવું આયોજન કરી રહ્યા છીએ. અમારા પ્રેમની વાત કરવામાં આવે તો એક વર્ષ અગાઉ અમે બંને સોશિયલ મીડિયા મારફતથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. એક વર્ષ સુધી અમે બંને પ્રેમમાં રહ્યા હતા. આ દરમિયાન અમે એકબીજાને મળ્યા અને ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હવે જીવનભર સાથે જ રહેવાના છીએ.
![થેલેસેમિયાગ્રસ્ત દંપતિની પ્રેમકથા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2024/20747771_1_aspera.jpg)
થેલેસેમિયાગ્રસ્ત લોકોનું જીવન : સામાન્ય લોકો કરતા થેલેસેમિયા ગ્રસ્ત લોકોનું જીવન અલગ હોય છે. તેમને ખૂબ જ કાળજી રાખવી પડતી હોય છે. તેઓ બીજાની જેમ વધારે પડતો પ્રવાસ કરી શકતા નથી. આ સાથે ખાણીપીણીમાં પણ ખૂબ જ કાળજી રાખવી પડે છે. સૌથી મોટી વાત એ કે તેમને સમયાંતરે લોહીની જરૂર પડતી હોય છે. આ દંપતીને 15 થી 20 દિવસે લોહીની જરૂરિયાત પડે છે. ત્યારે લોહીની જરૂર હોય એ સમયે કોઈ લોહી આપવા તૈયાર છે કે નહીં તે પણ મહત્વનું હોય છે.
થેલેસેમિયાગ્રસ્ત લોકોને સમર્પિત જીવન : આજના આધુનિક યુગમાં થેલેસેમિયાગ્રસ્ત દંપતીએ નવો ઘરસંસાર શરૂ કર્યો છે. જ્યારે તેઓ આગામી દિવસોમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને લોકોની સેવા પણ કરવાનું વિચારી રહ્યા છે. દુર્ગેશ અને મંગલ દ્વારા તેમના લગ્નના દિવસે પણ થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દંપતી ખુદ થેલેસેમિયાગ્રસ્ત હોવાથી થેલેસેમિયાગ્રસ્ત લોકોની પીડા ખૂબ જ સારી રીતે સમજે છે. જેના કારણે તેઓ હવે સાથે મળીને થેલેસેમિયાગ્રસ્ત લોકોની સેવા કરવામાં પોતાનું જીવન સમર્પિત કરવાનું વિચારી રહ્યા છે.