સુરત : પ્રેમના પ્રતિક સમા વેલેન્ટાઈન્સ ડે યુગલો માટે ખાસ ગણવામાં આવે છે. અનેક પ્રેમની સ્ટોરી તમે સાંભળી હશે. પરંતુ આ કપલની વાત કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. આ ગજબ કહાની છે સુરતમાં રહેતા કોટેચા દંપતીની. તેમની પ્રેમકથામાં ફિલ્મી મસાલા છે, ડ્રામા છે, ઈમોશન છે. કોટેચા કપલે જીવનમાં એકવાર છૂટાછેડા લીધા અને એકબીજા સાથે રહેવા માટે બાદમાં ત્રણ વાર લગ્ન કર્યા છે.
અજબ પ્રેમ કી ગજબ કહાની : સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા રાજેશ કોટેચા અને વૈશાલી કોટેચાના લગ્નને 29 વર્ષ થઈ ગયા છે. એટલે કે તેમણે 29 વેલેન્ટાઈન ડે એક સાથે ઉજ્યા છે. પરંતુ તેમનું કહેવું છે કે તેમની માટે તો રોજ જ વેલેન્ટાઇન્સ ડે હોય છે. છેલ્લા 29 વર્ષથી પોતાના દુઃખ- સુખમાં એકબીજાને સાથ આપનાર આ દંપતીની પ્રેમ કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી પણ નથી. તેમની પ્રેમ કહાની સાંભળીને ભલભલા પણ વિચારમાં મુકાઈ જશે. જી હા કારણ કે તેમના લગ્ન જીવનના 29 વર્ષમાં તેઓએ ત્રણ વાર લગ્ન કર્યા છે, એકવાર ડાયવોર્સ પણ લઈ ચૂક્યા છે. આજે પણ તેઓ એકબીજા વગર રહી શકતા નથી.
પહેલી નજરનો પ્રેમ : રાજેશ અને વૈશાલીની લવ સ્ટોરી શરૂઆત વર્ષ 1995 માં થઈ હતી. જ્યારે પ્રથમવાર રાજેશે વૈશાલીને એક ફંકશનમાં જોઈ અને વૈશાલી ખૂબ જ પસંદ આવી ગઈ હતી. તે વૈશાલી સામે પોતાના પ્રેમનો ઇઝહાર કરવા માંગતા હતા. વૈશાલીને પોતાના પ્રેમ વિશે જણાવવા માટે તેને ખૂબ જ પ્રયત્ન કર્યા અને આખરે છ મહિનાની ભારે જહેમત બાદ વૈશાલીએ તેના પ્રેમને સ્વીકારી લીધો. બાદમાં બંનેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે તેમણે પરિવારની પરવાનગી વગર લગ્ન કરી લીધા હતા.
આજે જ્યાં યુવાઓ માટે પ્રેમની પરિભાષા સમજવું મુશ્કેલ હોય અને માત્ર વેલેન્ટાઈન ડે દિવસ પૂરતી જ હોય છે. આટલા દિવસ જ્યારે અમે એકબીજાથી દૂર રહ્યા ત્યારે ખબર પડી કે પ્રેમ શું હોય છે. ખરેખર અમે એકબીજાથી દૂર રહી શકીએ એમ નથી. -- વૈશાલીબેન કોટેચા
કહાની મે ટ્વિસ્ટ : જોકે હવે કહાનીમાં ટ્વિસ્ટ આવવાનો બાકી હતો. દરેક પ્રેમ કહાની જેમ આ બંનેની પ્રેમ કહાનીમાં પણ કોઈ બોલીવુડ ફિલ્મની જેમ એક એવો વળાંક આવ્યો, જેને તેઓ ક્યારે પણ ભૂલી શક્યા નહીં. રાજેશ અને વૈશાલીએ જ્યારે પોતાના લગ્ન વિશે પરિવારને જણાવ્યું, પરંતુ પરિવારને બંનેની જોડી મગજમાં બેસી નહીં. કારણ કે વૈશાલી ખૂબ જ સરળ સ્વભાવની યુવતી હતી. જ્યારે રાજેશનો સ્વભાવ ઉગ્ર અને રફ હતો. બંનેના પરિવારે વિચાર્યું કે બંનેના સ્વભાવના કારણે લગ્નજીવન વધારે ચાલી શકશે નહીં. સર્વ સંમતિથી બંનેના છૂટાછેડા કરાવી દેવામાં આવ્યા.
મેડ ફોર ઈચ અધર : કહેવાય છે કે સાચો પ્રેમ પરીક્ષા ખૂબ જ લે છે. આ વાત વૈશાલી અને રાજેશના જીવનમાં પણ બની. છૂટાછેડા બાદ બંનેને લાગ્યું કે તેઓ એકબીજા વગર ખરેખર રહી શકતા નથી. 50 દિવસ સુધી રાજેશ વૈશાલીનો સંપર્ક કરવા માટે પ્રયત્ન કરતો રહ્યો. ક્યારે વૈશાલીના ઘરે આવતા દૂધવાળા, તો ક્યારે શાકભાજીવાળાના માધ્યમથી વૈશાલીને રાજેશ પોતાના મનની વાત પહોંચાડતો રહ્યો. આખરે વૈશાલીને પણ લાગ્યું કે રાજેશ જ છે કે જેની સાથે તે પોતાનું સંપૂર્ણ જીવન વિતાવી શકે છે. ફરીથી પરિવારને જણાવ્યા વગર બંને ભાગીને જૂનાગઢ પહોંચી ગયા હતા. ત્યાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા.
આજની યુવાપેઢી પ્રેમને એક રમત સમજી બેઠી છે. જેમાં કંઈ પણ વિચાર્યા વગર પોતાના જીવનસાથીની પસંદગી આંખ મીંચીને કરી લે છે. પરિણામે તેનું ભુગતાન બાદમાં માતા-પિતાએ ભોગવવું પડતું હોય છે. પ્રેમ કરવુ ઘણું જ સરળ હોય છે, પરંતુ તેને જીવનભર નિભાવવું પણ તેટલું જ કઠિન હોય છે. જે અમે બંને પતિ-પત્નીએ છેલ્લા 29 વર્ષ દરમિયાન જોયું છે. -- રાજેશભાઈ કોટેચા
ત્રણ લગ્ન બાદ એક થયા : ત્રણ વાર લગ્ન આર્ય સમાજમાં વિધિવત્ લગ્ન કર્યા બાદ પણ બંનેના મનમાં શંકા હતી કે સમાજના લોકો આ લગ્ન માનશે કે નહીં. જેથી તેઓ રાજકોટ પહોંચી ફરીથી એટલે કે ત્રીજી વાર કોર્ટમાં લગ્ન કર્યા. એકબીજા પ્રત્યે બંનેનો પ્રેમ જોઈ પરિવાર પણ સમજી ગયો હતો કે તેઓ એકબીજા વગર રહી શકતા નથી. આખરે એક છૂટાછેડા અને ત્રણ લગ્ન બાદ યુગલે સુખી દાંપત્યના 29 વર્ષ જીવ્યા છે. રાજેશ આજે પણ એ ઘડી વિચારે છે તો એ કપરા દિવસો યાદ આવી જાય છે. હાલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ પત્ની અને બે સંતાનો સાથે સુખી-સંપન્ન જીવન ગુજારી રહ્યા છે. વૈશાલીબેન પણ પોતાના બંને બાળકોની કાળજી લઈ પરિવારનું સુકાન સંભાળી રહ્યા છે.
29 વર્ષનું સુખી દાંપત્ય જીવન : આ દંપતીની અજબ પ્રેમ કી ગજબ કહાની સાંભળીને લોકોને પ્રેમ ઉપર ફરીથી એકવાર વિશ્વાસ ચોક્કસથી થઈ જાય. એટલું જ નહીં પરંતુ જ્યાં આજની યુવાપેઢી વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે જ પ્રેમ અને સંવેદના રાખે છે. ત્યાં સુરતના કોટેચા દંપતી તો દરેક દિવસ અને પળ વેલેન્ટાઈન્સ ડે તરીકે જીવી રહ્યા છે. જેની પાછળનું કારણ 29 વર્ષ વિત્યા છતાં પતિ-પત્ની વચ્ચે રહેલો અતૂટ પ્રેમ છે. જે આજની યુવાપેઢી માટે એક પ્રેરણાસ્ત્રોત દાખલો છે.