વડોદરા : શહેરના પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલ એક ટ્રેનના વેગનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ઘટનાસ્થળ નજીકથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવકે હાઈ ટેન્શન વાયરને પકડી લેતા ભડથું થયો હતો, જેના કારણે આગ લાગી હતી.
પેટ્રોલ ભરેલી ટ્રેનમાં આગ : વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા પંડ્યા બ્રિજ પાસે વહેલી સવારે પેટ્રોલ ભરેલા ટ્રેનના વેગનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આસપાસના લોકોમાં દોડધામ મચી અને લોકો એકત્રિત થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા વડીવાડી, દાંડિયા બજાર અને TP13 ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આગ પર કાબૂ મેળવ્યો : ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલિક હાઈ ટેન્શન લાઈનનો પાવર બંધ કરાવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી આગને આગળ વધતી અટકાવી હતી. વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
સ્થળ પર યુવકનો મૃતદેહ મળ્યો હાઈ ટેન્શન લાઈન પોલ નંબર 396/37 થી 396/39 વચ્ચે ટ્રેનના વેગનમાં આ આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતા વડોદરા રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ વિવેક દીધે અને રેલવે સ્ટેશન એસએસ ઓપરેટર બી. કે. ઝા સહિત રેલવે સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. આ ઉપરાંત RPF અને GRP નો સ્ટાફ પણ દોડી ગયો હતો. વેગનની બાજુમાં દાઝી ગયેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
યુવકની મોત કેવી રીતે થયું ? જાણવા મળતી માહિતી મુજબ અને પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવક શર્ટ ઉતારીને ટ્રેનના વેગન પર ચડી ગયો હતો. બાદમાં જીવંત વીજ વાયરને પકડી લેતા યુવાન ભડથું થઈ ગયો હતો. જેને લઈને ટ્રેનના વેગનમાં આગ ફાટી નીકળી હતી.
પોલીસ કાર્યવાહી : વડોદરા રેલવે પોલીસ PSI એ. જે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ટ્રેનમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા અમે તુરંત જ સ્થળ પર દોડી ગયા અને ફાયરબ્રિગેડની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ઉપરાંત મૃતકની ઓળખ કરવાની કામગીરી આરંભી દીધી હતી. પ્રાથમિક તપાસમાં યુવકે રેલવે ટ્રેક પરનો વીજ વાયર પકડી લેતા તેનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.