વડોદરા: શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા નારાયણ ડુપ્લેક્સમાં રહેતા ગ્રાહક સુરક્ષા એક્ટિવિસ્ટ એડવોકેટ પુરષોત્તમ મુરજાણીએ કોઈ કારણસર રાત્રિના સમયે પોતાની જ રિવોલ્વર માંથી ગોળી મારીને આપઘાત કરતા અરેરાટી મચી ગઈ હતી . તેઓએ આપઘાત કરતા પહેલા એક લાંબી સ્યૂસાઈડ નોટ લખીને વાયરલ કરી હતી. જેમાં તેની માનેલી દીકરી અને તેની માતાના અતિશય ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
વડોદરા શહેરમાં ઘણા લાંબા સમયથી અનેક ગ્રાહકોને ન્યાય અપાવવા સાથે કાયદાની મુશ્કેલીમાં ઉગારનાર તેમજ ગ્રાહક સુરક્ષાના એક્ટિવિસ્ટ પુરષોત્તમ મુરજાણીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા વકીલ આલમ સહિત સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી છે. જોકે પુરુષોત્તમ મુરજાણીએ આત્મહત્યા કરવાના અડધા પોણા કલાક પહેલા તેમણે લાંબી સ્યૂસાઇડ નોટ લખી હતી અને સોશિયલ મીડિયા દ્વારા સર્કલમા મોકલી આપી હતી. જેમાં તેમણે તેની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસના કારણે કંટાળી આખરે જીવનનો અંત લાવવા માટેનું અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે લખેલી સ્યૂસાઇડ નોટમાં એવું પણ લખેલુ છે કે, શહેરના ચકચારી કેસ કે જેમા સીએ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની ચીમકી માનેલી દીકરી અને તેની માતા દ્વારા આપવામાં આવી હોવાનો ઉલ્લેખ કરેલો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પત્ની અને દિકરી પર ગંભીર આરોપ: વડોદરાના ગ્રાહકોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવી લડત આપી તેમને ન્યાય અપાવવા માટે જાણીતા પી. મૂરજાણીએ ગતરાત્રે પોતાના નિવાસ સ્થાને પોતાની રિવોલ્વરથી ગોળી મારીને મોત વ્હાલુ કર્યું . ગત બપોરે તેઓ પોલીસ મથકમાં જમા કરાવેલી પોતાની રિવોલ્વર લઇને આવ્યા હતા. ત્યાર બાદ તેમણે એક વિગતવાર સંદેશો ટાઇપ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમના પરિચીતો સુધી પહોંચતો કર્યો હતો. ત્યાર બાદ પોતે જ લમણે ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું.અંતિમ સંદેશામાં પોતાની માનેલી પુત્રી અને તેની માતા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
પોલીસને કોઇ હાલ કોઈ પણ સ્યુસાઇડ નોટ મળી નથી: સમગ્ર ઘટના બાદ સ્થળે પહોંચેલા એસી.પી.પલસાણાએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરેલી છે. તેના અનુસંધાને પાણીગેટ પીઆઇ, એફએસએલ પણ હાજર છે. તેમણે લાયસન્સ વાળી રિવોલ્વરથી આત્મહત્યા કરી છે. જે અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી પંચક્યાસની કાર્યવાહી ચાલી હતી પરંતુ અત્યાર સુધી પોલીસને કોઇ પણ સ્યૂસાઇડ નોટ હાથ લાગી નથી.