વડોદરા: ડભોઈ શહેર અને તાલુકા તેમજ ઉપરવાસમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે. રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી પાણી મેઘરાજાએ કરી દીધા છે અને નીચાણવાળા વિસ્તારોમાં અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં કેટલાક ગામોમાંથી રહીશોને સલામત રીતે તંત્ર દ્વારા રેસક્યુ કરવા પડ્યાં છે. જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઇ - વડોદરા મુખ્ય રાજય ધોરીમાર્ગ ઉપર વાહન વ્યહેવાર બંધ કરવામાં આવ્યો હતો. અલબત્ત ડભોઇ ખાતે છેલ્લાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે.
ડેમમાં પાણીની આવક: એક તરફ તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ થવાના કારણે દેવ ડેમમાં પાણીની આવક વધતા 60,000 ક્યુસ્ક જેટલું પાણી છોડવામાં આવતાં ડભોઇ તાલુકાનાં રાજલી ક્રોસિંગ ઉપર મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં હતાં. જેથી ગત મોડી રાતના સમયથી આ માર્ગ ઉપર વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો.
નદી બે કાંંઠે વહેતી થઈ: ડભોઇ તાલુકાનાં રાજલી, અંગુઠણ, નારીયા, નવાપુરા, ભીલાપુર, અને બનૈયા સહિતનાં સાત ગામો સંપર્ક વિહોણા થયાં હતાં. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ડભોઇ પાસેનાં રાજલી ક્રોસિંગ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતાં ડભોઇ રોડ પરનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. વ્યાપક વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયાં હતાં અને ખેતરો પણ પાણીથી જળબંબાકાર થઈ ગયાં હતાં. દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ઢાઢર નદીમાં પાણીનો વધારો થતાં નદી બે કાંઠે વહેતી થતા તેની નજીકના વિસ્તારનાં ગામોમાં પાણી ભરાયાં હતાં.
રેસ્ક્યુની કામગીરી શરુ: જેને કારણે અઢીસો જેટલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. તાલુકાનાં અંબાવ ગામની વસાહતના 11 ઈસમો જેમાં બે બાળકો, ત્રણ સ્ત્રીઓ અને પુરુષો વર્ષાદી પુરમાં ફસાતા તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યાં હતાં. ચાંદોદના તરવૈયા નાવિક શ્રમજીવી મંડળના તરવૈયાઓ દ્વારા બંબુઓની મદદથી બનૈયા ગામ સુધી પહોંચ્યાં હતાં અને પંદર કલાકની જહેમત બાદ ત્યાંથી બે બાળકો અને ત્રણ મહિલાઓને રેસ્ક્યુ કરીને લાવ્યાં હતાં. જ્યારે અન્ય છ પુરુષોને બોટ દ્વારા રેસ્ક્યુ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો હતો.
ડભોઇ તાલુકાના ગામો સંપર્ક વિહોણા બન્યા: આ ઉપરાંત ડભોઇ તાલુકાનાં ઢાઢર નદીનાં કાંઠે આવતા અન્ય ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યાં હતાં. જેમાં નારાયણપુરા, બબોજ, દંગીવાડા, વીરપુરા, પ્રયાગપુરા, મગનપુરા, કરાલીપુરા, નવાપુરા, અંગુઠણ, થુંવાવી, બહેરામપુરા, ઢોલાર, ગોજાલી, નારીયા, સહિતના નીચાણવાળા ગામોનો સમાવેશ થાય છે. દર વર્ષે નદીમાં પૂર આવે ત્યારે આ જ પરિસ્થિતિ સર્જાય છે.
250 જેટલા રહીશોને સ્થળાંતર: ગામજનોનું કહેવું છે કે, સરકાર અમારું સાંભળે અને કેનાલોમાં રહેલાં ઝાડી-ઝાખરાં સાફ કરાવે તેવી ગામજનોની માંગ ઉઠવા પામી હતી. દર ચોમાસામાં વેઠવી પડતી મુશ્કેલી દૂર થાય તેમજ આ રસ્તેથી ડભોઈથી વાઘોડિયાનો રસ્તો પણ ઠેર ઠેર પાણી હોવાથી બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હાલ 250 જેટલા રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યાં હોવાનું પણ જાણવા મળે છે. આ અતિ અને ભારે વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહયું છે. હાલ વરસાદની અને પૂરની સ્થિતિ અંગે ડભોઈ મામલતદારનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે, હાલ તમામ જગ્યાએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને રેસ્ક્યુની કામગીરી કરી તમામ નાગરિકોને બચાવી લેવામાં આવ્યાં હતાં.
ઢાઢર નદીના પાણી ઓસરી જતા તંત્રની પોલ ખુલી: હાલ આ ધમાકેદાર વરસાદ થતાં જ તંત્રની પોલ જવા પામી છે. વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં રાજય ધોરીમાર્ગનું વ્યાપક પ્રમાણમાં ધોવાણ થવા પામ્યું છે અને ઘણી બધી જગ્યાએ આખે આખો રોડ ધોવાઈ ગયા છે. હાલમાં જ આ રાજય ધોરીમાર્ગના નવીનીકરણની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કરેલ કામગીરી અંગે શંકા કુશંકાઓના વાદળો ઘેરાયા છે. હવે જોવું એ રહયું કે, વરસાદમાં ધોવાઈ જાય તેવો માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે તંત્ર કેવા પગલાં હાથ ધરે છે. હાલ જાણવા મળતી માહિતી મુજબ ડભોઈ - વડોદરા રાજય ધોરીમાર્ગ ઉપર પાણી ઓસરી જતાં વાહન વ્યવહાર ચાલું કરી દેવામાં આવેલ છે.