વડોદરા: શહેરમાં ખુલ્લેઆમ બિન આરોગ્યપ્રદ પાણીપુરી વેચતી લારીઓનો રાફડો ફાટ્યો છે. આ વેપારીઓ ગંદકીથી ઉભરાતા સ્લમ વિસ્તારમાં રહેતા હોય છે. તેઓ ગંદકી વચ્ચે જ પાણીપુરીની તમામ સામગ્રી તૈયાર કરતા હોવાની હકીકતો વારંવાર સામે આવી છે. કોર્પોરેશન દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. વડોદરામાં ભેળસેળવાળી ચીજવસ્તુનું ખુલ્લેઆમ વેચાણથતું રહે છે. તાજેતરમાં જ પાણીપુરીનો માવો બનાવવા માટે બટાકાને પગથી ખુંદતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. જેના પરિણામે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું હતું. વિભાગે વેપારી પર દરોડા પાડ્યા.
સમગ્ર ઘટનાક્રમઃ વડોદરાના દાંડિયા બજાર રોડ ખાતે ફૂટપાથ ઉપર ખુલ્લેઆમ તપેલામાં પગથી બટાટા ધોતા અને ખુંદતા હોવાનો પાણીપુરીના લારીધારકનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયો શહેરના દાંડિયા બજાર રોડ ઉપર ગણપતિ મંદિર નજીક ભેરુનાથ આઈસક્રીમની બહારનો હોવાનું લાગી જણાય છે. પાણીપુરીની લારી ચલાવતો ઈસમ રાત્રે ફૂટપાથ પર જાહેરમાં તપેલામાં બટાકાને પગથી ધોઈ રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. વીડિયો વાયરલ થઈ જતા આ વેપારી ફરાર થઈ ગયો છે. તેમજ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે આ સ્થળે દરોડા પાડ્યા હતા. ખાદ્ય પદાર્થોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા.
આરોગ્ય વિભાગના અધિકારી ડો. મુકેશ વૈદે જણાવ્યું હતું કે તપેલામાં પગથી બટાકા ધોનારી વ્યક્તિ અન્ય કોઈ વિસ્તારમાં લારી ચલાવે છે કે નહીં એની ફૂડ શાખાએ તપાસ શરૂ કરી છે. વીડિયો વાઇરલ થવાની ઘટના બાદ એ સ્થળે તપાસ કરવામાં આવી હતી. જો કે 2 દિવસ અગાઉ આ લારી ચાલક ફરાર થઈ ગયો હતો.
આરોગ્ય વિભાગની કામગીરી શંકાસ્પદઃ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા આવા વેપારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં ન આવવાને કારણે આવા વેપારીઓની હિંમત ખુલી જાય છે. એટલું જ નહીં પરંતુ કેટલીક વખત તો આરોગ્ય વિભાગની ટીમ કયા વિસ્તારમાં સપાટો બોલાવવાની છે, તેની માહિતી પણ અગાઉથી વેપારીઓને મળી જતી હોય છે. કેટલીક વખત સિલેક્ટેડ વસ્તુઓના જે સેમ્પલ લઈને કામગીરી પર પૂર્ણવિરામ મુકી દેવામાં આવતું હોય છે. જો આરોગ્ય વિભાગ દ્વારા વેપારીના સંકુલમાંથી સિલેક્ટેડ વસ્તુઓના સેમ્પલ લીધા વગર કામગીરી કરવામાં આવેતો શહેરમાંથી મોટા પ્રમાણમાં બિન આરોગ્ય પ્રદ ખોરાકનો જથ્થો ઝડપાવાની શક્યતા છે.
અમે તાત્કલિક આ સ્થળે દરોડો પાડીને તાત્કાલિક પાણીપુરીનું વેચાણ બંધ કરાવેલ છે, તેમનું રજિસ્ટ્રેશન પણ રદ કરી દીધું છે. આ વેપારીની બીજી શોપ ભેરુનાથ આઈસ્ક્રીમ છે તેનું પણ ઈન્સપેક્શન કરવામાં આવ્યું છે...પી.એમ. ભાવસાર(ફૂડ ઈન્સપેક્ટર, વડોદરા)