વડોદરાઃ વારસિયા વિસ્તારની સુરુચી સોસાયટીના રહીશો આજે વડોદરા મનપાની કચેરીએ પીવાના પાણી સમસ્યાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો કે રહીશોની કમનસીબી એવી કે તેમને પીવા લાયક પાણી તો પાલિકા આપી શકી નથી પરંતુ તેમને સાંભળવા માટે પણ કોઈ ઉપસ્થિત ન હતું. સુરૂચી સોસાયાટીના રહીશો કચેરીની બહાર સીક્યુરિટી ગાર્ડ માથાકુટ કરીને કચેરીમાં દાખલ થયા હતા.
1 રહીશનું આકસ્મિક મોતઃ પીવા લાયાક પાણીની માંગણી જોર શોરથી ચાલી રહી હતી ત્યારે શંકર ખતવાણીની એકાએક તબિયત લથડી પડતા તેઓ બેભાન થઈ ગયા હતા. પાલિકામાં હાજર કર્મીઓ તથા મોર્ચામાં સાથે રહેલા રહીશોએ પણ તેમને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તાત્કાલીક સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પર હાજર તબીબો તેમને મૃત જાહેર કર્યા હતા.
પીવાના પાણી વિશે સરકારના દાવા પોકળઃ એક સરકાર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવાની વાત કરે છે જ્યારે બીજી તરફ વડોદરા શહેરનું કોર્પોરેશન શહેરી વિસ્તારમાં જ પીવાનું પાણી પહોંચાડી શકતી નથી. 21મી સદીમાં પણ જો પીવાના પાણી માટે કોઈએ જીવ ગુમાવવો પડે તો આ કેટલી નીંદનીય છે. પાલિકનાં પદાધિકારીઓ દ્વારા પોતાનો લુલો બચાવ કરવા માટે એવું પણ જાણી લાવ્યા કે, મૃત્યુ પામનાર શંકારભાઈ હૃદયરોગના દર્દી હતા. જો મનપાએ સમયસર પીવાનું પાણી પહોંચાડ્યું હોત તો આ વિરોધ પ્રદર્શનનો વારો જ આવ્યો નહોત. કોર્પોરેશનના સત્તાધિકારીઓ કામગીરી ચાલુ હોવાના સરકારી જવાબોની પીપૂડી વગાડે છે.
દબાણ હટાવવાની કામગીરી દેખાવ પૂરતી જઃ એક તરફ કોર્પોરેશન દબાણ હટાવવાની કામગીરી આરંભવી રહી છે પરંતુ પ્રજાને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં અધિકારીઓને રસ નથી. વડોદરામાં કોર્પોરેશન દબાણ હટાવવાની કામગીરી કરી રહી છે જે કેટલા દિવસ સુધી કરશે ? થોડાક જ સમયની અંદર પાછા યથાવત પરિસ્થિતિ સર્જાઈ જાય છે. માત્ર અને માત્ર દેખાડો કરીને નાગરિકોને મદદ કે સુવિધા મળતી નથી. આવા સત્તાધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસુખાયના સ્વપ્નને કેવી રીતે સાકાર કરી શકશે ? તેવા પ્રશ્નો વડોદરાવાસીઓમાં ચર્ચાઈ રહ્યા છે.