વડોદરા : લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જો બાકી રહ્યા છે ત્યારે દરેક ઉમેદવારે પોતાનો પ્રચાર પ્રસાર જોરશોરથી શરૂ કરી દીધો છે. ત્યારે છોટાઉદેપુર લોકસભાના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાને પાદરા તાલુકાના જાસપુર ગામે પુરુષોત્તમ રૂપાલાના વિરોધને લઈને ગામમાં પ્રવેશ કરવા દીધો ન હતો. જેથી ગામ લોકોને કાર્યકર્તાઓ વચ્ચે તુંતુંમેંમેંના દ્રશ્યો સર્જાયા હતાં.
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર થયેલી ટિપ્પણીને લઈ ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કમાન સંભાવના સત્તાધીશોએ પણ કેટલીક બેઠકો ઉપરથી ઉમેદવારોની ફેરબદલી કરી હતી. પરંતુ સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજનો ભારે વિરોધ હોવા છતાં પણ રાજકોટ બેઠક ઉપરના ઉમેદવારની ફેરબદલી કેમ કરવામાં ન આવી ? જેને લઈને હાલ ક્ષત્રિય સમાજનો વિરોધ ભારતીય જનતા પાર્ટી ઉપર યથાવત રહ્યો છે.
જાસપુર ગામમાં પ્રવેશતા જ તુંતુંમેંમેં : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુર ગામે યુવાનોએ પુરૂષોત્તમ રૂપાલાનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. છોટા ઉદેપુરના ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર દરમિયાન ગામમાં પ્રવેશતા જ ઉગ્ર વિરોધ થયો હતો અને જશુભાઈ રાઠવાને ગામમાં પ્રવેશતા કાર્યકર્તાઓ અને ગામજનો વચ્ચે તુંતુંમેંમેંના દ્રશ્યો સર્જાયા હતા. ઉગ્ર વિરોધ જોતા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ વિરોધ કરનાર યુવાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને લઇ પાદરા પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.
વિરોધ ડામવામાં પાદરાના ધારાસભ્ય નિષ્ફળ : 'જય ભવાની, જય ભવાની' અને ‘રૂપાલાહાય હાય'ના નારા લાગતા જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દોડી આવ્યા હતાx. યુવાનોનો વિરોધ એટલો ઉગ્ર હતો કે, પોલીસ કે ધારાસભ્યની વાત માનવા કોઈ તૈયાર જ ન હતા. ક્ષત્રિય સમાજના ધારાસભ્ય હોવા છતાં પોતાના જ વિસ્તારમાં રૂપાલાનો વિરોધ ડામવામાં પાદરાના ધારાસભ્ય નિષ્ફળ નીવડ્યા હોય તે વાતે વેગ પકડ્યો હતો.
પાદરા પોલીસ ઘટનાસ્થળે : લોકસભાની ચૂંટણીને લઇને છોટા ઉદેપુર મતવિસ્તારના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા સહિત ભાજપના કાર્યકરોનો યુવાઓએ કાળાવાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો અને ગામમાં પ્રવેશ ન કરવા દીધો હતો. ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલે પાદરા પોલીસને જાણ થતાં પાદરાપોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર મામલો થાળી પાડ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી.