વડોદરાઃ આજનો દિવસ વડોદરાના શિક્ષણ ક્ષેત્ર માટે ચોંકાવનારો બની રહ્યો હતો. આજે શિનોર તાલુકાની અવાખલ પ્રાથમિક શાળામાં 5 ફિટ લાંબો સાપ આવી ચડ્યો હતો. જ્યારે કરજણ તાલુકાની શાહ એન. બી. પ્રાથમિક શાળાની છતનો કેટલોક ભાગ તૂટી પડ્યો હતો. આ બંને ઘટના વડોદરા જિલ્લામાં શિક્ષણના સ્તરની સચોટ રજૂઆત કરે છે. વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાથે ગમ્મત સાંભળ્યું હતું પરંતુ જીવના જોખમે શિક્ષણ જેવી ઘટનાઓ અવારનવાર બની રહી છે. તેથી જ છેલ્લા કેટલાક સમયથી વડોદરા જીલ્લાની પ્રાથમિક શાળાનાઓની અવદશાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
શાળાના રસોડામાં સાપઃ સમગ્ર ગુજરાતના શિક્ષણ ક્ષેત્રના સંકુલમાં ક્યાંક ને ક્યાંક અને કંઈકને કંઈક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. આજે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામે આવેલી પ્રાથમિક શાળાના રસોડામાં 5 ફિટનો સાપ ઘુસી ગયો હતો. રસોઈ કરતી બહેનોએ જોતાની સાથે જ ચીસાચીસ કરી મુકી હતી. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ એકત્ર થઈ ગયા હતા. આખી ઘટનામાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
5ફિટના સાપનું સફળ રેસકયૂઃ સમગ્ર ઘટનાની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટને કરવામાં આવી હતી. ટ્રસ્ટની ટીમ તાત્કાલિક શાળાએ આવી પહોંચી હતી. રસોડામાં સંતાયેલા આવેલા સાપનું મહા મહેનતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલ સાપને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. સાપ પકડાઈ જતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ રાહત અનુભવી હતી. અવાખલ પ્રાથમિક શાળામાં સાપ આવ્યાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી ગયા હતા. વાલીઓ અને સ્થાનિકો મોટી સંખ્યામાં પોતાના બાળકોની સુરક્ષા સંદર્ભે શાળામાં ધસી આવ્યા હતા.
કરજણમાં પ્રાથમિક શાળાની છત તુટી પડીઃ વડોદરા જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. અનેક શાળાની દીવાલોમાં તિરાડો છે તો ક્યાંક છતમાંથી પોપડા ખરીને વિદ્યાર્થીઓ ઉપર પડી રહ્યા છે. સરકારી શાળાઓની કથળતી સ્થિતિ વચ્ચે ગરીબ ઘરના વિદ્યાર્થીઓનું લોહી વહી રહ્યું છે. આવી જ ઘટના વડોદરા જિલ્લાના કરજણ તાલુકાની પ્રાથમિક શાળામાં બની હતી. શાહ એન. બી. પ્રાથમિક શાળાના 13 નંબરના વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓ ઉપર છતનો કેટલોક હિસ્સો પડ્યો હતો. જેમાં ધોરણ 7ની એક વિદ્યાર્થીની ઈજાગ્રસ્ત થઈ હતી. આ વિદ્યાર્થીનીને સારવાર અર્થે હોસ્પિટલમાં પોહચાડવામાં આવી હતી. છત તુટી પડવાની ઘટનાને લીધે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વાલીઓએ તંત્રની બોગસ કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વહીવટી તંત્રના અધિકારીઓએ આવી જર્જરિત શાળાઓની તાત્કાલિક મરામત કરાવી જોઈએ તેવી માંગણીઓ વાલીઓ કરી રહ્યા છે.