સુરત: છેલ્લા ઘણાં સમયથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દરેક ચીજ વસ્તુઓમાં સતત થઈ રહેલાં ભાવ વધારાએ ગરીબ અને મઘ્યમવર્ગના પરિવારનું આર્થીક બજેટ ખોરવી નાખ્યું છે. ત્યારે હાલ મેંદાના ભાવમાં એકાએક વધારો થતાં મેંદા માંથી બનતી પ્રોડક્ટના વ્યવસાય સાથે જોડાયેલા હજારો લોકોને સીધી અસર પહોંચી રહી છે.
મેંદાના લોટના ભાવ વધારો: મેંદાના લોટના ભાવમાં થયેલા વધારાના કારણે ઘણા ધંધાર્થીઓને બંધ કરવાની ફરજ પડી રહી છે. સુરત શહેરમાં અંદાજિત 4000થી વધુ વડાપાઉંની લારીઓ ચાલે છે. આ લારીઓ ચલાવતા લોકોએ મેંદાના લોટમાં થયેલા ભાવ વધારાના વિરોધમાં એક સાથે સાગમટે વેપાર બંધ કરી દીધો હતો. જેને લઈને એક ટાઈમ વડાપાઉં ખાઈને ચલાવતા લોકો સહિત સ્વાદના રસિકોને પણ મોંઘવારીના મારનો અહેસાસ થયો હતો.
વડાપાંઉના ધંધાર્થીઓએ પાડ્યો બંધ: સુરત શહેરમાં દરેક વિસ્તારમાં વડાપાંઉની લારીઓ ધમધમે છે અને એક મોટો વર્ગ વડાપાઉં ખાવાનો શોખીન છે. ત્યારે આકસ્મિક ધોરણે વડા પાઉં બંધ થઈ જતાં ગ્રાહકોમાં નિરાશા જોવા મળી હતી.
છેલ્લાં ઘણા મહિનાઓ થી સતત મેંદાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છ મહિના અગાઉ 50 કિલો મેંદાની કિંમત 1200 હતી. આ છ મહિનાની અંદાજ 1200થી 2200 સુધી પહોંચી ગઈ છે.સાથે સાથે તેલના ભાવમાં પણ 600 રૂપિયા વધ્યા છે.આ બધા વધારા વચ્ચે હવે આ વ્યવસાય કરવો મુશ્કેલ બની ગયો છે. સંજયભાઈ, વડાપાઉં વિક્રેતા