રાજકોટ: UPSC દ્વારા નેશનલ ડિફેન્સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્બાઈન્ડ ડીફેન્સ સર્વિસ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા માટે રાજકોટ ખાતે 3 પરીક્ષા કેન્દ્રમાં 831 ઉમેદવારો UPSC દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષામાં નોંધાયા હતા. પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. જેમાં ઉમેદવારોના ખિસ્સા અને પાકીટ તપાસવામાં આવી રહ્યા હતા. સાથે જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લાવવાની મનાઈ કરવામાં આવી હતી.
UPSC દ્વારા કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા: મળતી વિગતો મુજબ રાજકોટમાં સદગુરુ મહિલા હોમ સાયન્સ કોલેજ, આઈ પી મિશન અને કે.એન. કણસાગરા કોલેજમાં પરીક્ષા રાખવામાં આવી હતી. જેમાં 3 સેશનમાં પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સદગુરુ મહિલા કોલેજના પરીક્ષાના સુપ્રિટેન્ડન્ટ અમિત જોષીએ જણાવ્યું હતું કે, અહીં કંબાઈન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં 320 વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ઉપર નોંધાયેલા છે. જેનું પોલીસ દ્વારા ફિઝિકલ ચેકિંગ કરવામાં આવ્યા બાદ એન્ટ્રી આપવામાં આવી છે. એક ક્લાસરૂમમાં 24 વિદ્યાર્થીઓ નિયમ પ્રમાણે બેસાડવામાં આવેલા છે અને તેમાં 2 સુપરવાઇઝર રાખવામાં આવ્યા છે. જેથી પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય.
પેપર શરુ થયાના 30 મિનિટ પહેલા એન્ટ્રી બંધ: પરીક્ષા કેન્દ્ર પરીક્ષાર્થીઓ માટે પ્રવેશ પેપર શરૂ થવાના 30 મિનીટ પહેલા એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. ઇ-એડમીટ કાર્ડ વગર કોઇપણ ઉમેદવારને પ્રવેશ અપાયો ન હતો. ઈ-એડમીટ કાર્ડમાં કમિશન દ્વારા અપાયેલ સુચનાનો તમામ ઉમેદવારોએ અભ્યાસ કરી લેવાનો હતો. જેમાં મોબાઇલ ફોન, અન્ય આઈ.ટી. કે ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટસ, સ્માર્ટ/ડિજીટલ વોચ, બુક્સ, બેગ્સ, આ વસ્તુઓ સાથે પરીક્ષા સ્થળની અંદર પ્રવેશ પ્રતિબંધીત રાખવામાં આવી હતી.
પરીક્ષા કેન્દ્રોમાં કડક પોલીસ બંદોબસ્ત: ઉમેદવાર માટે પરીક્ષા કેન્દ્રની અંદર ફક્ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્સીલ, આઇડેન્ટી પ્રૂફ અને પોતાના ફોટોગ્રાફ લઇ જવાની છૂટ આપવામાં આવેલી હતી. આ સિવાય પરીક્ષા કેન્દ્રોમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ જેવા કે મોબાઈલ, બ્લુટુથ, ડિજિટલ વોચ જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવામાં આવી રહી છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવીની સાથે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: