પોરબંદર : ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે તહેવારોની ઉજવણી થાય છે. દરેક તહેવારોમાં સંસ્કૃતિની ઝાંખી પણ થાય છે. પોરબંદર જિલ્લાના બખરલા ગામમાં પણ હોળીની અલગ રીતે ઉજવણી થાય છે. પક્ષીઓ બોલે ત્યારે શકન માનીને હોળી પ્રગટાવે છે. હોળીના દિવસ બાદ ત્રણ દિવસ સુધી પડવા તરીકે વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ બખરલા ગામમાં હોળી અનોખી પરંપરા...
હોળીની પરંપરાગત ઉજવણી : પોરબંદર જિલ્લાના બખરલા ગામના સરપંચ અરશીભાઈ ખુટીએ જણાવ્યું હતું કે, બખરલા ગામમાં સનાતન ધર્મના તમામ તહેવાર ઉજવવામાં આવે છે. ખાસ કરીને અહીં હોળીનું ભવ્ય આયોજન હોય છે. અહીં હોળી પ્રગટાવવાની પણ અલગ પ્રથા છે. જેમાં ગામના સૌ ભાઈઓ સાંજે 5:00 વાગે ભેગા થાય અને ખેતલીયા બાપાના મંદિરે જાય છે. જ્યાં તેતર નામનું પક્ષી આવે અને બોલીને શકન આપે છે. ત્યારબાદ ચામુંડા માતાજીના મંદિરે જાય અને ત્યાં ભૈરવ માતાજી આવીને સ્વપ્ન આપે છે, ત્યારબાદ જ હોળી પ્રગટાવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પ્રથા છે.
ત્રણ દિવસ પડવાનું આયોજન : અરશીભાઈ ખુટીએ જણાવ્યું હતું કે, હોળીના તહેવાર બાદના દિવસને પડવો કહે છે. ત્રણ દિવસ સુધી "પડવા"ની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જેમાં અમારી સંસ્કૃતિના જતન અને ગૌમાતાના લાભાર્થે પ્રોગ્રામ ગોઠવીએ છીએ. જેમાં 3 થી 7 અને રાતે 9 થી 12 વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. મહેર સમાજની બહેનો પરંપરાગત પહેરવેશ સાથે રાસ રમે છે. ત્યારબાદ મહેર સમાજના ભાઈઓ પૂર્ણ પરંપરાગત પહેરવેશ પહેરે છે. જેમાં ચોરણી બાઠીયું,પાઘડી, ભેઠાઈ પહેરીને મણિયારો રાસ રમે છે. આ રાસ જોવા માટે આસપાસના લોકો, દેશ વિદેશથી અધિકારી-પદાધિકારીઓ અને સંતો-મહંતો પધારે છે. 65 થી 70 વર્ષના લોકો રમતા હોય ત્યારે શૌર્યતાના દર્શન થાય છે.
NRI યુવાન રમ્યો મણિયારો રાસ : બખરલા ગામે યોજાયેલ કાર્યક્રમમાં હાલ UK બ્રિટિશ એરલાઇન્સમાં પાયલોટની જોબ કરતા અને મૂળ ફટાણા ગામના યુવાન રાજ રામભાઈ ઓડેદરાએ મણીયારો રાસ રમ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તે તેમના મામાના ગામ બખરલામાં આવ્યા છે અને ખરેખર ખૂબ મજા આવી. વેસ્ટર્ન કલ્ચર સમાન છે, પરંતુ આ ભારતીય સંસ્કૃતિ આપણા બાપ દાદાની યાદ અપાવે છે. મણીયારાનો ઢોલ વાગે ત્યારે આપણા લોહીમાં કંઈક જુદી ફીલિંગ આવે છે. યુકેમાં પણ અમારી ટીમ લેસ્ટર મહેર રાસ ગ્રુપ છે. ત્યાં હું બાળપણથી રમતો અને પ્રેક્ટિસ કરતો, આ વખતે મને રજા મળી છે. બાળપણથી મારા પિતા મને અહીં લઈ આવતા અને મારા બાળકોને પણ હું અહીં લાવી આ પરંપરા અને સંસ્કૃતિના દર્શન કરાવીશ.
જિલ્લા કલેકટરને ખાસ આમંત્રણ : બખલા ગામે હોળી નિમિત્તે પરંપરાગત રાસ અને મણીયારાનું આયોજન થાય છે. તેની માહિતી મળતા આજે પરિવાર સાથે અમે આવ્યા હતા. 8 થી 10,000 જેટલા લોકો અહીં પરંપરાગત પર્વમાં ભેગા થાય છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આયોજન થાય છે. તેમાં આપણી જૂની સંસ્કૃતિનું જતન થાય છે, તે ખૂબ જ આવકારદાયક છે. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. ત્યારે ચૂંટણી પર્વમાં પણ મતદાનની અપીલ કરી છે.