વાપી/દમણ/સેલવાસઃ 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે વાપીના નગરપાલિકામાં, પોલીસ સ્ટેશનમાં, વાપી ઇન્ડસ્ટ્રીઝ માં તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન સાથે તિરંગાને સલામી અપાઈ હતી. તો, આઝાદી દિનના ઉપલક્ષ્યમાં સેવાભાવી સંસ્થાએ વાપી રેલવે સ્ટેશને સફાઈ કર્મચારીઓ, કુલીઓને રાશન કિટનું અને હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટનું વિતરણ કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.
15મી ઓગસ્ટ 2024ના દેશને સ્વતંત્રતા મળ્યા બાદ 78મો સ્વતંત્રતા દિવસ હતો. જે નિમિત્તે ધ્વજવંદન સહિત સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે સૌપ્રથમ વાપી ટાઉન, GIDC પોલીસ મથકે PI ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી તેઓને સોંપેલી ફરજના સ્થળે રવાના થયા હતા.
પાલિકા પ્રમુખે ફરકાવ્યો તિરંગો
વાપીમાં નગરપાલિકા ખાતે સવારે 8 વાગ્યે પાલિકા પ્રમુખના હસ્તે તિરંગો ફરકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વ્હોરા બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવી હતી. પાલિકા કચેરી ખાતે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં પાલિકાના નગરસેવકો, કર્મચારીઓ, ફાયરના જવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આ પ્રસંગે પ્રજાજોગ સંદેશમાં પાલિકા પ્રમુખે વિકાસની ગાથા રજૂ કરી હવે વાપી મહાનગર પાલિકા બનવા તરફ જઈ રહ્યું હોય આગામી દિવસોમાં વાપીનો દરેક ક્ષેત્રમાં વિકાસ થશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી.
વાપી GIDCમાં ધ્વજવંદન
વાપી GIDC માં VIA ખાતે પ્રમુખ સતીશ પટેલ અને અગ્રણી ઉદ્યોગકારો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અહીં VIA પ્રમુખ સતીશ પટેલે તિરંગાને લહેરાવ્યાં બાદ જન મન ગણ ની ધૂન સાથે સૌએ તિરંગાને સલામી આપી ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી હતી.
આ પ્રસંગે VIA પ્રમુખ સતીશ પટેલે દેશમાં ઉદ્યોગકારો દ્વારા દેશની પ્રગતિમાં આપતા સિંહફાળાને બિરદાવી દેશની પ્રગતિમાં દરેક ઉદ્યોગકાર પોતાનો સહકાર આપે તેવી અપીલ કરી હતી. VIA પ્રમુખ સતીશ પટેલના હસ્તે વાપીના જય કેમિકલ ખાતે પણ તિરંગાને સલામી અપાઈ હતી. અહીં કામદારોને સેફટી, સ્વચ્છતા અને ફરજ નિષ્ઠા પર વળગી રહી પર્યાવરણ બાબતે સભાન રહેવા અપીલ કરી હતી.
કરિયાણું અને ફ્રુટ વિતરણ કરી ઉજવ્યો સ્વતંત્રતા દિવસ
આ તરફ દર વર્ષે 15મી ઓગસ્ટના રેલવે સ્ટેશને અને હોસ્પિટલમાં સેવાકીય પ્રવૃત્તિ કરનારા જમીયત ઉલેમાં એ ટ્રસ્ટ વાપીના સભ્યો સાથે મળી પ્રમુખ ઇન્ટેખાબ ખાને રાશન કીટ અને ફ્રુટનું વિતરણ કર્યું હતું. ઇન્તેખાબ ખાન અને તેમની ટીમના સભ્યો તેમજ વાપી રેલવે સ્ટેશનના મેનેજર, રેલવે કર્મચારીઓના હસ્તે કુલીઓને તેમજ સફાઈ કર્મચારીઓને રાશન કીટ આપી હતી. તો, સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બળદર્દી, મહિલા દર્દીઓ, પુરુષ દર્દીઓને ફ્રુટની કીટનું વિતરણ કરી જલ્દી સ્વસ્થ થવા શુભેચ્છા આપી હતી. તેમજ આ દેશમાં દરેક સમાજના લોકો હળીમળી ને રહે દેશની પ્રગતિમાં સતત પોતાનાથી બનતું યોગદાન આપતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પૈકી દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. દમણની એન્જીનીયરીંગ કોલેજ ખાતે આયોજિત આ સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં. દાદરા નગર હવેલીના સેલવાસમાં કલેકટર ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બન્ને સ્થળે પોલીસ પરેડ, રંગારંગ કાર્યક્રમ, વીર સપૂતોના પરિવારજનોનું સન્માન, તેમજ ટેબ્લો દ્વારા પ્રદેશના વિકાસની ઝાંખી પ્રસ્તુત કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, 78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમગ્ર ભારતની સાથે વલસાડ જિલ્લામાં અને દાદરા નગર હવેલી દમણમાં આવેલ સરકારી કાર્યાલય, શાળા, કોલેજ, ઔદ્યોગિક એકમો, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ફાયર સ્ટેશન સહિતના તમામ મુખ્ય મથકો પર ભારત માતા કી જય ના નારા સાથે રાષ્ટ્ગીત ગાઈ તમામે તિરંગાને સલામી આપી ઉત્સાહભેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: