દમણ/સેલવાસ : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દમણ બેઠક ઉપર BJP પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ સહિતના નેતાઓની અધ્યક્ષતામાં તેમજ દાદરા નગર હવેલીના સેલવાસમાં BJP અધ્યક્ષ ઉપરાંત લોકસભા ઉમેદવાર કલાબેન ડેલકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
ભાજપનો સંકલ્પ પત્ર : દમણ-દીવ બેઠક માટે દમણ ભાજપ કાર્યાલય અને દાદરા નગર હવેલી માટે સેલવાસમાં ભાજપ કાર્યાલયથી ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો. જેમાં સ્થાનિક લોકોને રોજગારી, શ્રેષ્ઠ શિક્ષણ, દમણ અને દિવ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં ટુરિઝમ વધારવા અને વિકાસના કામોની યોજનાઓ અંગે જાહેરાત કરવામાં આવી હતી.
રોજગારની ગેરંટી : આ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે કે, આગામી દિવસોમાં સરકારી નોકરીઓમાં સી અને ડી ગ્રુપમાં સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવશે. ઉપરાંત દમણ અને દિવ વિસ્તારમાં નવા ટુરિઝમ પોઇન્ટ ઉભા કરવા, દમણ નમો પથ અને રામ સેતુ બીચ પર ઉભા રહેતા સ્થાનિક પાથરણા સંચાલકોને કેબીન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહિલા સુરક્ષા મુખ્ય મુદ્દો : દમણ દિવ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં મહિલાઓની સુરક્ષા માટે મહિલા આયોગની રચના કરવામાં આવશે. સ્થાનિક મહિલાઓને પગભર બનાવવા સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમથી વિવિધ પ્રકારની વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવશે. સાગરખેડૂ ભાઈઓ, ખેતી કામ કરતા ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ અને દરિયા કિનારે બોટ પાર્કિંગ તેમજ અદ્યતન જેટ્ટી સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે.
સ્થાનિક વિકાસ પ્રાથમિકતા : દમણ અને દિવ તેમજ દાદરા નગર હવેલીમાં સારા રસ્તાઓનું નિર્માણ કરવું, પંચાયતી રાજને વધુ મજબૂત બનાવવા માટે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટાયેલી પાંખને વહીવટી સત્તા આપવી, શાળા કોલેજોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શિક્ષકોના સ્ટાફમાં વધારો કરવો, ઉચ્ચ શિક્ષણની જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી, પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપવું, જે વિસ્તારમાં પાણીની તકલીફ છે તેવા વિસ્તારમાં પૂરતું પાણી પહોંચાડવા સહિતની જાહેરાત કરવામાં આવી છે.
વિવિધ યોજના થકી યુવા વિકાસ : આ ઉપરાંત સૂર્યોદય યોજના, ઈ-બાઇક યોજનામાં સબસીડી આપવી, ખાણ અને ખનીજ વિભાગમાં નિયમો હળવા કરી રોયલ્ટી અપાવવા પ્રોત્સાહન આપવું, વિદ્યાર્થીઓ માટે આવાગમન સરળ કરવું, રોજગાર માટે IT પાર્ક, પ્રદુષણ મુક્ત SEZ, ફૂડ પાર્ક ક્ષેત્રે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું રમતગમત ક્ષેત્રે યુવાનોને દરેક રમતમાં સારા ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ કીટ, સ્પોર્ટ્સ કોચની સુવિધા આપી સ્પોર્ટસ ક્ષેત્રે નવી તકો આપવી, ઔદ્યોગિક ક્ષેત્રમાં કર્મચારીઓ માટે વેતન વધારો, નવા ઉદ્યોગોને પ્રોત્સાહન જેવા વિવિધ મુદ્દાઓને સંકલ્પ પત્રમાં આવરી લઈ તેની જાહેરાત કરવામાં આવી હતી.
ગુલાબી સપના કે વિકાસની નીતિ ? ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપ દ્વારા દમણ દીવ બેઠક પર 47 જેટલા મુદ્દાઓને અને દાદરા નગર હવેલી બેઠક પર 32 જેટલા મુદ્દાઓને આવરી લેતા સંકલ્પ પત્ર બહાર પાડ્યા હતા. ભાજપના સંકલ્પ પત્રમાં મોટેભાગે વીજળી, પાણી, રસ્તા, શિક્ષણ અને આરોગ્યની જાહેરાતો દર વર્ષે કરવામાં આવે છે. પરંતુ બાદમાં ભાજપના ઉમેદવાર દ્વારા કે ભાજપ પક્ષ દ્વારા કોઈ નક્કર પ્રયાસ થયા નથી. ફરી આ વખતે ચૂંટણી ઢંઢેરામાં એ જ જાહેરાત સામેલ કરી મતદારોને ગુલાબી સપના બતાવવાનો પ્રયાસ થયો છે.