પોરબંદર: લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ લોકસભાના પ્રચાર પ્રસારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના પોરબંદરમાં પ્રવેશતાની સાથે જ તેમનું યુવા ભાજપ દ્વારા ભવ્ય રેલી સ્વરૂપે સ્વાગત કરાયું હતું. કમલાબાગ ખાતે ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનો દ્વારા મીઠું મોઢું કરાવી ફૂલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુસ્લિમ આગેવાનો અને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
મનસુખ માંડવીયાએ ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજા વાલા હોલ ખાતે યોજાયેલ કાર્યકર્તા સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવીયા સાથે સાંસદ રમેશ ધડુક જિલ્લા કલેકટર તથા એસ.પી અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાએ મીડિયાને જણાવ્યું હતું કે પોરબંદરની લોકસભાની સીટ પરથી મને ચૂંટણી લડવાનો મોકો ભારતીય જનતા પાર્ટી એ આપ્યો છે. ત્યારે મોટાભાગના કાર્યની શરૂઆત ગાંધી જન્મ ભૂમિથી થતા હોય છે. ત્યારે હું મૂળ પાલીતાણાનો વતની છું જે મહાવીરની ભૂમિ છે. તેમાંથી પ્રેરણા લઈને ગાંધીજીએ પણ સત્ય અહિંસા અને શાંતિનો સંદેશો દેશમાં અને રાજકીય જીવનમાં પ્રસારિત કર્યો હતો. આ વિસ્તારમાં ભવિષ્યમાં નેતૃત્વ કરવાના લોકોના આશીર્વાદ મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
આજનો કાર્યક્રમ: આજે મનસુખ માંડવીયા વીરપુરના દર્શન કરી પદયાત્રામાં ખોડલધામ જશે. ગોંડલમાં રમાનત ગામના દર્શન કરશે અને ગોંડલના રામજી મંદિરના દર્શન કરશે. આ ઉપરાંત ઘોઘાવદર દાસી જીવણ મંદિરના દર્શન કરશે અને ત્યારબાદ ધારાસભ્યના નિવાસ્થાને સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ ગોંડલ અક્ષર ડેરીમાં દર્શન કરી લોકસભા વિસ્તારની મુલાકાત પૂર્ણ કરશે.