સુરત: જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ ડબલ મર્ડર કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સુરત જિલ્લા એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે સોપારી આપનાર ઓવૈસીની AIMIM પાર્ટીના સુરતના નેતા ખુર્શીદ સૈયદ સહિત ત્રણ ઇસમોને ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા હતા. ત્યારબાદ પોલીસે ત્રણેય ઇસમોને કોર્ટમાં રજૂ કર્યા હતા.
10 દિવસની રિમાન્ડ માંગવામાં આવી: તમને જણાવી દઈએ કે, આ ગુનાના આરોપીઓ છેલ્લા એક વર્ષથી હત્યાનો પ્લાન બનાવતા હતા. જેથી અન્ય કોણ કોણ આ ગુનામાં સામેલ છે, આર્થિક વ્યહાર કઈ રીતે થાયા, કોની કોની પ્રત્યેક્ષ - પરોક્ષ મદદ લેવાઇ છે, વધુ ક્યાં હથિયારોનો ઉપયોગ લેવાયો, સામાન્ય રીતે ખાડો ખોદવા માટે ઉપયોગમાં લેવાયેલ ત્રિકમ, પાવડો ક્યાંથી લાવ્યા, ગુનો કરતા પહેલા કેવી તૈયારીઓ કરાઇ જેવા અલગ અલગ 25 જેટલા મુદ્દાનો ટાંકીને પોલીસ દ્વારા કોર્ટ પાસેથી આ આરોપીઓની કુલ 10 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી. જે સામે કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમગ્ર કેસની તપાસ સુરત ગ્રાન્ટ DYSP બી.કે વનાર કરી રહ્યા છે.
શું હતી સંપૂર્ણ ઘટના: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી ગત સોમવારે હત્યા કરાયેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસ સ્થળ પર પહોંચી હતી. જેમાં તાલુકા પ્રાંત અધિકારી, સુરત ગ્રામ્ય DYSP બી.કે વનાર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી. કબરમાંથી એક સાથે બે મૃતદેહ મળી આવ્યા હતાં. આ અંગે વધુ તપાસ કરતાં આરોપી અફઝલની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના નેતા ખુર્શીદ સૈયદ દ્વારા આ હત્યાની સુપરી અફઝલને આપવામાં આવી હતી. જેમાં હત્યાનું કારણ જાણવા મળ્યું છે કે, એક વર્ષ અગાઉ મૃતક બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ અને ઓવૈસીની AIMIMના સુરતના નેતા અને સોપારી આપનાર ખુર્શીદ સૈયદ વચ્ચે બબાલ થઈ હતી મૃતક બિલાલે ખુર્શીદ પર હુમલો કર્યો હતો. તેથી તેનો બદલો લેવાની ઈચ્છાએ બિલાલને મારી નાખવાનું નક્કી કર્યું હતું. અને સોપારી આપી અફઝલને કામ સોંપ્યું હતું. જ્યારે અન્ય મૃતક અઝરૃદ્દીન ઉર્ફે અજજુ કાદર ક્યાંક કોઈને બોલી દેશે અને ભાંડો ફૂટી જશે તેવા ડરથી અફઝલે તેની હત્યા કરી હતી. આમ સુપરી આપનાર સહિત પોલીસ દ્વારા હત્યા કરનાર તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.