રાજકોટ: જિલ્લાના ઉપલેટા શહેરના નવયુગ ચોકમાંથી રાજકોટ રૂરલ S.O.G. પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક્ટિવામા જઈ રહેલી બે શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા મહિલાઓ પાસેથી રાજકોટ રૂરલ S.O.G. પોલીસે એક કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ઝડપાયેલી બંને મહિલાઓ પાસેથી ગાંજાનો જથ્થો તેમજ મોટરસાયકલ સહિત રુ. 90,910 નો મુદ્દામાલ કબજે કરી અને ઝડપાયેલ બન્ને મહિલાઓ સામે ઉપલેટા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ઊંડાણપૂર્વક પૂછતાં તેને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
2 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં: આ બનાવને લઈને રાજકોટ રૂરલ S.O.G. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર બી.સી. મ્યાત્રાએ ઉપલેટા પોલીસનમાં દાખલ કરાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, રાજકોટ રૂરલ S.O.G. પોલીસ સ્ટાફ ઉપલેટા ખાતે પેટ્રોલિંગ દરમિયાન ઉપલેટા શહેરના નવયુગ ચોક ખાતે વાહન ચેકિંગમાં ઊભા હતા તે દરમિયાન એક એક્ટીવા પર 2 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી જેમાં આ મહિલાઓને મહિલા પોલીસ બોલાવી સ્થળ પર ચેકિંગ અને પૂછતા જ કરતા તેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો: ગાંજાના જથ્થાની બાબતને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં પોલીસે 1.091 કિલોગ્રામ ગાંજો, એક્ટિવા મોટર સાયકલ સહિત કુલ રુ 90,910ના મુદ્દામાલ સાથે આ બંને મહિલાઓને ઝડપી છે જેમાં નજમાબેન ઉર્ફે ઘુઘી જમીરભાઈ બાદશાહ અને સલમાબેન રફિકભાઈ શેખ નામની બંને મહિલાઓની અટકાયત કરી અને તેમની સામે N.D.P.S. એક્ટની કલમ 8(C), 20(B)(2-B), 29 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી મહિલાઓના રિમાંડ મંજૂર: આ મામલાની તપાસ ભાયાવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.વી. ભીમાણીને સોંપવામાં આવી છે ત્યારે આ મામલે તેમનો ટેલીફોનીક સંપર્ક કરતા અને ઝડપાયેલ મહિલાઓ અંગેના ગુનાહિત ઈતિહાસ અને રિમાન્ડ સંબંધે પુછતા તેમના દ્વારા ટેલિફોનિક જણાવવામાં આવ્યું છે કે, ઝડપાયેલી બંને મહિલાઓ હાલ ગુનાહિત ઇતિહાસ ધરાવતી નથી તેવું જણાવવામાં આવ્યું છે ત્યારે આ મહિલાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવી હતી જ્યાં કોર્ટે તેમના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગાંજાના જથ્થાનો મુખ્ય સૂત્રઘાર કોણ: ઝડપાયેલા આ ગાંજાના જથ્થા સાથે ખરેખર મહિલાઓ મુખ્ય સૂત્રધાર છે કે, પછી આ મહિલાઓની પાછળ કોઈ મોટા માથા કે મોટા સપ્લાયરનો હાથ અને વહીવટ છુપાયેલો છે તેને લઈને જો ખરેખર ઊંડાણપૂર્વક તટસ્થ અને યોગ્ય તપાસ થાય તો ઘણી બધી માહિતી મળી શકે છે. પરંતુ મહિલા પાસેથી ઝડપાયેલા ગાંજાના જથ્થાએ સમગ્ર પંથકમાં અનેક સવાલો ઊભા કરતાં અહિયાં ચર્ચાનો વિષય ઉભો થયો હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ કોના માટે કામ કરી રહી છે આની પાછળ કોનો હાથ છે. તે જોવાનું રહ્યું.