સુરત: ઉત્તર ભારતમાં શિયાળા દરમિયાન પરાળી બાળવાના કારણે પ્રદૂષણ થતું હોય છે. જેની સૌથી વધુ અસર પંજાબ, હરિયાણા અને દિલ્હી સહિતના ઉત્તર ભારતનાં રાજ્યોમાં જોવા મળે છે. દિલ્હી તો ગેસ ચેમ્બર સમાન બની જાય છે. જેના ગંભીર અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર થતી હોય છે. પરંતુ આ સમસ્યાનો હજી સુધી કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. વર્ષોથી આ સમસ્યા જેમની તેમ છે. પરંતુ સુરતની બે વિદ્યાર્થીનીઓએ બે મહિનાની મહેનત બાદ ઘઉંની પરાળીનો ઉપયોગ કરી વેસ્ટમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી કમ્પોઝિટ મટીરીયલ બનાવ્યું છે. ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
બે મહિનાના અંતે મળી સફળતા:
યાશી પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં માઈક્રોબાયોલોજી વિભાગમાં અને હેતવી બુરખાવાળા ગાંધી ગવર્નમેન્ટ ઇજનેરી કોલેજમાં પર્યાવરણ ઇજનેરીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. મંત્રાના સાઈન્ટિસ્ટ્સના માર્ગદર્શનમાં પરાળી બાળવાથી થતાં પ્રદૂષણ અટકાવવા બંને વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્ભુત પ્રયાસ કરવામાં આવ્યો. છેલ્લા બે મહિનાની મહેનતના અંતે બંને વિદ્યાર્થિનીને ઘઉંની પરાળીમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મળી, જે ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.
વિવિધ પ્રકારના ટેક્સ્ટાઈલ વેસ્ટમાંથી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝ માટેના કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરવામાં આવ્યા છે. વિસકોસ, પોલિયેસ્ટર, પાઈનેપલ જેવા વિવિધ પ્રકારના ટેક્સ્ટાઈલ ફાઈબર્સ વેસ્ટ મટીરિયલમાંથી કોમ્પોઝિટ શીટ તૈયાર કરી છે. અમે ઘઉંની પરાળીમાંથી રિસાઈકલ પ્રક્રિયા દ્વારા કોમ્પોઝિટ મટીરિયલ બનાવવામાં સફળતા મેળવી છે. પરાળીમાંથી સીધું કમ્પોઝિટ મટીરિયલ બનવું મુશ્કેલ હોય મંત્રા (ધ મેન મેઈડ ટેક્સ્ટાઈલ રિસર્ચ સેન્ટર ભારત સરકાર)ના સાઈન્ટિસ મુર્તુજા ચાંદીવાલા અને શિવાની પ્રજાપતિના માર્ગદર્શનમાં રાસાયણિક અને માઈક્રોબાયોલોજી પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો. - હેતવી બુરખાવાળા, વિદ્યાર્થીની
એસીનો લોડ ઓછો થશે: યાશી પટેલે જણાવ્યું હતું કે બાઈડિંગ થાય માટે ઉન, નારિયેળના રેસા જેવી કુદરતી સામગ્રી વાપરવામાં આવી છે. જે ગરમીમાં અવાહક હોવાથી કાર જેવા વાહનોમાં આંતરિક લેટર કે પેડ તરીકે ઉપયોગ કરી શકાય છે. જેને લીધે એસીનો લોડ ઓછો થશે. આ ઉપરાંત કારના છાપરા તપશે, પરંતુ કારની અંદર ગરમી ઓછી લાગશે.
'આ કોમ્પોઝિટ મટીરિયલ નોન વૂવન છે, જેના માટે વિદ્યાર્થિનીઓએ પેટર્નની અરજી પણ કરી દીધી છે. ઊન, નારિયેળના રેસા અને ઘઉંની પરાળીમાંથી કોમ્પોઝિટ મટીરિયલ તૈયાર કરાયું છે. બે કે તેનાથી વધુ ઘટકોમાંથી બનેલી આ સામગ્રી અલગ ભૌતિક અને રાયાણિક ગુણધર્મ ધરાવે છે. જે જોડવામાં આવે છે, ત્યારે વ્યક્તિગત ઘટકોથી અલગ લાક્ષણિકતાઓ ધરાવતી સામગ્રી ઉત્પન્ન કરે છે. ઘઉંની પરાળીમાંથી કોમ્પોઝિટ મટીરિયલમાંથી કારના ડેસબોર્ડ બની શકે છે અને ટેકનિકલ ટેક્સ્ટાઈલમાં બેસવાના આસન, પડદા, ઓટોમોબાઈલ માટે સીટકવર સહિતની સામગ્રીમાં ઉપયોગી બની શકે છે.' - મુર્તુજા ચાંદીવાલા, ચીફ સાઇન્ટિસ્ટ