બનાસકાંઠા: પાલનપુર-અમદાવાદ હાઈવે પર ભરકાવાડા પાટીયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 2 રાહદારીઓના કરુણ મોત નિપજ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો વધ્યો છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુર તાલુકાના ભરકાવાડા પાટિયા નજીક અમદાવાદ હાઈવે પર સર્જાયો છે. વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવકોના કરુણ મોત નિપજ્યા છે.
ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા: અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા છાપી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃતદેહોનો કબજો મેળવી છાપી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટપોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ફરાર વાહન ચાલક સામે ગુન્હો નોંધ્યો: મૃતકોમાં એક ભડકાવાડા ગામનો હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ અન્ય એક ઈસમની ઓળખાણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ છાપી પોલીસે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થયેલા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. તેમજ આ સમગ્ર અકસ્માત મામલે છાપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.