સુરત: જ્યારથી ચોમાસાની શરુઆત થઈ છે, ત્યારથી રાજ્ય સહિત સુરત શહેરમાં વરસી રહેલા વરસાદને પગલે ભેજવાળા વાતાવરણ હોવાના લીધે કરંટ લાગવાના બનાવો વધી રહ્યા છે. તેવા સમયે પાંડેસરા વિસ્તારમાં પાણીની મોટર બંધ કરતી વખતે એક યુવાનને અને ભટારમાં લોખંડના એંગલને અડી જતા વૃધ્ધને કરંટ લાગતા મોત નીંપજયું હતું.
નવી સિવિલના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, પાંડેસરા ખાતે સુખીનગરમાં રહેતો 38 વર્ષીય મિથુન ચેન બારીબ આજે શનિવારે સવારે ઘરે પાણીની મોટર બંધ કરવા ગયો હતો. ત્યારે તેને ઈલેકટ્રીક કરંટ લાગતા તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કયો હતો. મિથુન મૂળ ઓડિસામાં પૂરીનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે લૂમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બીજા બનાવમાં ભટારમાં રસુલાબાદ ખાતે આંબેડકરનગરમાં રહેતા 61 વષીય અશોક દયારામ સોનવણે આજે સવારે ઘરેથી મજૂરી કામ અર્થે નીકળ્યા હતા. તે સમયે તે ભટાર ખાતે સાંઈ ટાયર્સ એન્ડ ગેરેજ નામની દુકાન પાસે કામની રાહ જોઈને ઉભો હતો. તે લોખંડના એગંલને અડી જતા તેને જોરદાર કરંટનો ઝાટકો લાગ્યો હતો. જેથી તેનું ધટના સ્થળ ઉપર જ કમકુમાટી ભર્યુ મોત નીપજયું હતું. અશોકને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તે મજુરી કામ કારતા હતા.