જૂનાગઢ: બે દિવસ સંસ્કાર ભારતીય રંગોળીનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢના 37 જેટલા યુવાન રંગોળી કલાકારો દ્વારા સંસ્કાર ભારતીય રંગોળીની ટીપ્સ મહારાષ્ટ્રના તજજ્ઞ યોગેશ યલવે પાસેથી પ્રાપ્ત કરી હતી. સંસ્કાર ભારતીય રંગોળી મહારાષ્ટ્રની સાથે દક્ષિણ ભારતના રાજ્યોમાં ધાર્મિક સામાજિક અને પારંપરિક રીતે ખૂબ જ જોડાયેલી જોવા મળે છે.

ગુજરાતમાં રંગોળીનું એક આગવું સ્થાન હોય છે, પરંતુ અહીં સંસ્કાર ભારતીય રંગોળીને લઈને કલાકારોમાં અને ખાસ કરીને યુવાન રંગોળી કલાકારો રંગોળીની એબીસીડી શીખી શકે તે માટે ખાસ કાર્યશાળાનું આયોજન કર્યું હતું.

ગુજરાતમાં નવરાત્રી અને દિવાળીના દિવસો દરમિયાન પોટ્રેટ પ્રકારની રંગોળી કરવાની પરંપરા આજે પણ જોવા મળે છે, પરંતુ તે તહેવાર કે પ્રસંગને માત્ર મર્યાદિત દિવસોમાં થતી હોય છે, પરંતુ સંસ્કાર ભારતીય રંગોળી પ્રત્યેક દિવસે પ્રત્યેક ઘરમાં બનાવવામાં આવે છે જેથી તે અન્ય રંગોળી કરતા અલગ તરી આવે છે.

સંસ્કાર ભારતીય રંગોળીની વિશેષતા: સંસ્કાર ભારતીય રંગોળી 15 મિનિટથી લઈને ત્રણ કલાક કે તેથી વધુના સમયમાં ખૂબ જ ઝડપથી બની શકે છે, જેમાં પાવડર સ્વરૂપે રહેલા કલરનો ઉપયોગ કરવામાં આવે છે. રંગોળીની ડિઝાઇન કરવા માટે પાંચ આંગળીઓનો ઉપયોગ કરીને સતત ઉભા ઉભા તેને બનાવવાની હોય છે, જેને કારણે આ રંગોળીમાં મહાવરો એક મહત્વનો ભાગ ભજવે છે.

યોગેશ યલવે દ્વારા થોડા સમય પૂર્વે 30 ફૂટની એક રંગોળી ત્રણ કલાકારોની મદદથી માત્ર ત્રણ કલાકમાં બનાવવામાં આવી હતી, જેના કારણે પણ સંસ્કાર ભારતીય રંગોળી અન્ય રંગોળી અને તેની ડિઝાઇનથી અલગ પડે છે.

ભુ અલંકારણ અને સુશોભનનું પ્રતીક: સંસ્કાર ભારતીય રંગોળીને ભુ અલંકારણ અને સુશોભનના પ્રતિક તરીકે પણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓળખવામાં આવે છે, અહીંની પ્રાચીન પરંપરા અનુસાર જે ધરતી પર આપણે જન્મ લઈને સમગ્ર જીવન વ્યતિત કર્યું છે તેવી જમીનને ભૂ અલંકારણ કે રંગોળી મારફતે સુશોભિત કરીને ધરતી માતા પ્રત્યે આપણા આદરભાવ વ્યક્ત કરવા માટે પણ રંગોળીને મહત્વની માનવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં સારા કે નરસા તમામ પ્રસંગો જેવા કે લગ્ન જન્મદિવસ શુભકાર્ય ધાર્મિક ઉત્સવ કોઈ મોટા તહેવારો કે ઘરમાં કોઈ બીમાર હોય કોઈનું મોત થયું હોય કે ઘરમાં કોઈ અકસ્માતની ઘટના ઘટી હોય તેવા પ્રસંગો એ પણ રંગોળી કરવામાં આવે છે, આ રંગોળી ઘરમા બનેલા સારા કે નરસા પ્રસંગોને ઉજાગર પણ કરે છે.
