રાજકોટ: સમગ્ર વિશ્વમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 21 જૂનના દિવસે લોકો યોગ કરીને આ દિવસની ઉજવણી કરે છે. ત્યારે નાનાથી માંડી મોટા લોકો યોગ કરે છે ત્યારે આવામાં રાજકોટ જિલ્લામાં એક લીટલ યોગિનીના યોગાસન લોકોને આશ્ચર્ય પમાડે છે.
બાળકીના યોગાસનથી લોકોમાં આશ્ચર્ય: આપણે ત્યાં એક કહેવત છે કે, " પુત્રના લક્ષણ પારણામાંથી " તેમજ અન્ય એક કહેવત છે "વડ એવા ટેટા અને બાપ એવા બેટા". ત્યારે રાજકોટ માતા એવી પુત્રીનું સૂત્ર ચરિતાર્થ કરતો કિસ્સો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતી માત્ર અઢી વર્ષીય રુદ્રી પોપટ નામની બાળકીના યોગાસનને જોઈ સૌ કોઈ આશ્ચર્ય પામે છે.
પીએમ નરેન્દ્ર મોદીની પહેલથી ઉજવણી: વર્ષ 2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર બનતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 11 ડિસેમ્બર 2014ના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ દર વર્ષે 21 જૂનના રોજ મનાવવામાં આવશે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સમગ્ર વિશ્વભરમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.
નાની બાળકી જુદા જુદા આસનો કરે છે: રાજકોટમાં રહેતી અને કાલી ઘેલી ભાષામાં વાતચીત કરતી રુદ્રી પોપટ નામની અઢી વર્ષીય બાળકીના યોગાસન જોઈને હાલ સૌ કોઈ આશ્ચર્ય પામે છે. રુદ્રીની ઉંમરના બાળકો પોતાની બાળપણની મસ્તીમાં આનંદ કિલ્લોલ કરતા હોય છે. ત્યારે આ નાની બાળકી જુદા જુદા યોગાસનો દ્વારા નાનપણથી જ યોગિક ક્રિયાઓ પ્રત્યે ઘર આંગણેથી જ પોતાના જ્ઞાનમાં સંવર્ધન કરી રહી છે.